एक मजानी कहुं रे वात...
हा ते लो, आ वात छे : 'ફૂલભમરી'-ની.
*********
હમણાં, એક વખત ગિરનાર પર એક રાત્રે એક નાગાબાવાએ એક મજાની લોકકથા મને કહી હતી. મેં પહેલા આ ક્યાંય ક્યારેય એ સાંભળેલી નથી. શક્ય છે આ કદાચ એણે પોતે બનાવી લીધી હોય. પણ મને આ folk-tale જ વધુ લાગે છે. આ કથાએ મને ઘણી બધી રીતે જકડી લીધો છે. આખી વાત વિગતે તો ક્યારેક સમય આવ્યે કહીશ, એવા અભરખા તો છે જ. પણ અચાનાક મારા મોબાઈલની મજૂષમાંથી એ આખીય સુંદર કથાનું કથાબીજ હમણાં જ મને જડી આવ્યું ને તે અત્યારે ટૂંકમાં તમારી સાથે વહેંચું છું. એ અઘોરીએ કહેલી, એ વાત આમ હતી : ‘મારા ગરુએ કહેલી આ પરથમીની એક વાત હું તમને કહું ભાઈ. કે..., બહુ વેલા(પહેલા)ના વખતમાં આ પરથમી, આવી ગોળ ગોળા જેવી નહોતી. એનામાં’ય જીવ હતો ને ઈનું નામ ફૂલભમરી હતું. આપણાં કાળા માથાના માનવી જેવો જ દેહ ઈ પરથમીનો’ય દેહ હતો. નામ તો એનું ફૂલભમરી. પણ સૂરજ-ચંદર વિનાના આખાય વ્રેહ્માંડના ગલેફ-છેડા વિનાના અંકાશે ખલક આખાયમાં ઈ લાંબી થઈને પડી રહેતી. પણ સરગાપુરની અપ્સરા જેવું એનું રૂપ. અદ્દલ ને અસ્સલ બાઈ’માણા(સ્ત્રી)ના બરની એ લાગે. પાતળા સાગના સોટા જેવો દેહ. છાતીએ લટકતાં ગિરનાર ને દાતાર જેવાં ઝૂલતાં બે થાન. આ પરથમી એટલે કે આ ફૂલભમરી રેઢી રેઢી ને એકલી એકલી લાંબી થઈને સૂઈ રહેતી એ કાળની આ વાત. આ પ્રથમી(પૃથ્વી)ને આવી બાઈ માણસ જેવી છાતી, હાથ ને પાતળા પગે’ય હતાં. પેટ જોયું હોય તો હે’યને કોઈ કુંવારકાને ગાભ ચોંટ્યો હોય એવું, ઓતરેથી દખ્ખણ લગીનું સુંવાળું પેટ. અને આવડા આ પેટની માથે, ઈ ફૂલભૂમરીની ડૂંટીના ખાડામાં બરાબર વચો-વચ, ઈના પેટની ચામડી માથે સંધાય કાળામાથાના માનવીયું રહેતા’તા, તી કાળની આ વાત છે હોં બચ્ચા. એક દિ’ ફૂલભમરીને મનમાં થયું કે જો ઈ પોતે આમ સૂતેલી છે ને સડાક કરતી'કને ઊભી જો થાશે તો આ ઇશ્વરના બચ્ચા જેવા માણા બધાં ટપોટપ વ્રેહ્માંડ આખાયમાં વેરાવા માંડશે. છોકરું મા-થી છૂટું થાશે ને દીકરી બાપ વિનાની રવડશે બચારી. એટલે ફૂલભમરીને તો પોતાની ડૂંટીના પટના ફેલાયેલા વસ્તારની દયા આવી ગઈ બોલ. એટલે પછીં છત્રીસે કાળની ત્રેંસઠમી પળે તો ફૂલભમરીએ નિશ્ચે કરી લીધો કે, ‘હું આવડી મોટી ઊભી થઈને મ્હાલવા લાગું ઇની કરતાં હું જ પોતે મરી જાઉં તો મારા આખાય શરીર માથે આ માણા(માણસ)ના પેટના મ્હાલે ઈ જ ઠીક કે’વાય. એટલે પછી એ તો પોતાની મરજીથી મરી ગઈ ભાઈ!! પોતાના પગ ઉપર હાલવાના ઓરતા લઈને આપણી આ ફૂલભમરી મરી ગઈ પછી તો એનું માથું એક વખત ધોળા બરફના ઢગલાથી ઢંકાઈ ગયું ને યાં અટાણે હિમાલય જેવો પર્વત થઈ ગ્યો છે. એના, ફૂલભમરીની પીઠ ને વાંહાના હાડકાં બધાં નાની નાની ટેકરીયુંમાં ફેરવાઈ ગયા છે. વિંધાચળની હંધીય ટેકરીયું ઈ આપણી આ ફૂલભમરીની પીઠના હાડકાનો ઢગલો જ છે બોલ! અને એટલું નંઈ વળી... આ ફૂલભમરીની છાતીની વચાળે ઊંડી ને અંધારી ખીણ બની ગઈ ને ન્યાં જ આપડાં ઓલા રામ ને સીતાએ વનવાસ વેઠ્યો. ફૂલભમરીના ગળાના ભાગે ઘોર અંધારે ગાજતાં વંન ઊગ્યા ને યાં વાઘ ને સાવજની તરાડું પડી. ને જાતે મરેલી એ ફૂલભમરીના નિતંબ એટલે કે કૂણા કૂલાની ઉપરથી પછી તો ખળળ ખળળ કરતી નદીયું વહેતી થઈ. નિતંબ જોયા હોય તો એયને પૂરવ ને પશ્ચિમના બે ઢાળેલાં. અરધી નદીયું આમ આપણી કોર આવે ને અરધી નદીયું આમ બંગાળો(બંગાળ) પખાળે. ફૂલભમરીના નિતંબ હતાં જ એવા ફળાઉ તે એની માથે લીલાં ખેતર ને લીલી નાઘેર જેવી વાડિયું લ્હેરતી થઈ ગઈ. ને પછી તો એક વખત ઈ મરી પડેલી ફૂલભમરીની બેય આંખ્યુ સૂરજ ને ચંદર બની ગઈ બોલો. પછી એક વખત કાળ પાય્કો ને એના પતંગિયા જેવા બે હોઠમાંથી એક કલૈયા કુંવર જેવો માણસ જનમ્યો ને એનું નામ.... હા, તે ઈ ....નામવાળા માણસે પછી તો ઓલા બે’ય સૂરજ ને ચંદરને પ્રથમીમાંથી અંકાશે ચમકવા માટે મોકલી દીધાં.
ધીમે ધીમે આમ...ઈ ફૂલભમરીની ડૂંટીમાંથી માણા નીકળતો ગ્યો...ને દેહવાળી ફૂલભમરી એમ ધૂળ બની ગઈ...'
તે લ્યો, ભાઈ... દાદો મેકરણ કાપડી કહેતાં હતા એમ :
'સાયર-લેરું થોડિયું, અસાંજા ઘટમાં ઘણેરિયું;
હકડી તડ નો પોગિયું, (ત્યાં) દૂજી ઊપડિયું.'
(સમુદ્રની લહેરો કરતાંયે આપણાં (લોક)-હ્રદયની લહેરીઓ ઘણી વધુ છે. એક હજી કાંઠે ન પહોંચી હોય ત્યાં તો બીજી હિલ્લોળતી ઊપડે છે. મહેરામણ તો ગાજતો ભલો.)

Comments
Post a Comment