ગીરની વાતો - ૧

 ગીરની વાતો -૧



••••••••••••

વાત એ સમયની છે, જ્યારે હું મારાં ભેરુડાંઓ સાથે ગીરના એક નેહડાનો મહેમાન થયેલો. એ દિવસ કયો હતો એ વાત જવા દો. પણ એ કઈ રાત હતી તે મને બરાબર યાદ છે. એ ઠેકાણે એક રાત રોકાઈને મેં જે જંગલની, પહુડા ને જનાવરોની ને વળી ડાલામથ્થા હ઼ાવજોની કથાઓ સાંભળી છે તેમાંથી એક જંગલકથાએ મારા મન-હ્રદય પર અજબની છાપ છોડી છે. હા, તે આ લો, જાણે ક્યારેય સવાર ના પડવાની હોય એવી એ રાતની ચોપાટ અત્યારે આપ સહુ પાસે માંડું છું. :

ગીરના તુલશીશ્યામથી ઘણે અંદરગાળે એક નેસ(નામ નહીં કહું)ની હદમાં અમે પહોંચ્યા ત્યારે કાળી રાત એની બધી જ નમણાશ લઈને ઊતરી ચૂકેલી. 'રાત' શબદ નારીવાચક શું કામ છે તે એ રાતે જ મને બરાબર સમજાવી દીધેલું. હતી રાત અને એમાંય વળી ધીમી ધારનો વરસાદ ચાલુ હતો. અમે નેહડાના મે'માન હતાં એટલે ઘણે આગળ જંગલખાતાએ ઝીણી આંખો કરીને એ તપાસી લીધેલું કે, 'અમારાથી ગીરને નુકસાન નહીં થાય'. મારો શ્વાસ હેઠો બેઠો કે, હાશ હવે ગીરની રાત છે ને અમે છીએ. ગાડીની હેડ લાઈટના અજવાળા સિવાય બીજે બધે અંધારાની દે'માર હતી. સાઈડ ગ્લાસમાંથી નજર માંડતો હતો તો ક્યાંક, ક્યારેક તણખા ઊડતા હોય એવું કળાતું હતું. ઘરડો ડોસો કાથીના ખાટલામાં પડ્યો-પડ્યો પડખા બદલે ને કાથીના તણાવાથી જે ઝીણો ચિચુડાટ ચીસે એમ વરહ઼ાદના ધીમાં તડતડિયાં ગાડીની છત પર ચિસતાં હતાં. અમને પૉરહ હતો કે અમને રાતના સમયે ગીરના એક એવા ઠેકાણે રહેવાનો અવસર સાંપડ્યો હતો જ્યાં કાળામાથાના નહીં પણ ડાલામથ્થા જીવોના સામ્રાજ્ય છે. આવે ઠેકાણે હું જ્યારે જ્યારે જાઉં છું ત્યારે ત્યારે મારા લોહીમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવો સજીવન થઈ ઊઠતાં હોય છે અને હું એમને નરી આંખે જોઈ, સાંભળી ને સંભોગી શકતો હોઉં છું. થોડી વાર થઈ ત્યાં ગાડીની હેડ લાઈટના પ્રકાશમાં મારગ કાદવ-કીચડથી લદાલદ. ગાડીને આગળ હંકારવી હવે શક્ય નથી.


હવે?? 

ઊતરો, બીજું શું? પણ અહીંથી ચાલતા નેસ સુધી જવાનું? આ કંઈ જ ન કળાતા અંધારે? 

'હા દરબાર, અંધારાના ગરભમાં આળોટ્યા વિના અજવાળાના ખોળા હ઼ુધી ક્યાં પહોંચાય છે?' મારો રબારી ભેરુ મેહુર વ્યવસાયે માસ્તર છે પણ પેલ્લેથી અવળવાણી બોલનારો. 


હાલો ત્યારે. ગાડીના દરવાજા ખોલ્યા, વાખ્યા. ગાડીને ત્યાં જ અંધારામાં ઓગળતી મૂકી ને પગ જમીન પર મૂક્યાં ત્યાં એવાં તો ભાતભાતના અવાજોએ ઘેરી લીધાં કે જાણે અવાજની એક અનોખી સિમ્ફની રચાવા લાગી. દેખાતું નહોતું પણ સાંભળીને જોઈ-માની લીધું કે અહીં હ઼ાવજ કરતાં મચ્છરોના શિકાર વધુ થઈશું. બણબણાટનો પાર નહીં. મોઢું ખુલ્લું રાખીએ તો એક-બે તો મોં-ગુહા જોઈ વળે એવા શાતિર. ઉપરથી પ્રેમિકાના બોલાશ સરીખા ધીમી ધારના વરસાદની છાંટ અમને ભીના કરતી હતી. છત્રીને અને અમારાં જેવાં રખડુઓને જનમથી આડવેર હોય એટલે એને હારે લેવાનો સવાલ જ નહોતો. અંધારે કાદવમાં પગછાપ છોડતાં આગળ વધતાં હતાં. મોબાઈલની ટૉર્ચ લાઈટ ચાહી-કરીને ન કરવી એવો અમે ત્રણે મિત્રોએ નિર્ણય ઠેરવેલો. થોડે દૂર જે અજવાળું કળાતું હતું તે જ નેહડાનું અજવાળું છે એવું મેહુરનું માનવું હતું. મારો દોસ્ત મેહુર સામાજિક સંબંધે આ નેહનો ભાણેજ-જમાઈ હતો એટલે જંગલખાતાની પરવાનગી અમને એમ આસાનીથી મળી ગઈ હતી. મચ્છરોના બણબણાટ અને વરસાદના સથવારે અંધારું ચીરતા પહોંચ્યા. 




મનમાં હતું કે નેસ એટલે એમ તો સુવિધા હશે. 'અકૂપાર'ના રૉમેન્ટિસિઝમનો ભ્રમ મનમાં ભરીને ગયેલો. પણ અહીં પહોંચ્યો કે 'અકૂપાર'નું એ ગીર કડડભૂસ. આ એનાથી જુદો નેહડાનો અનુભવ મને થવાનો છે એ વાત તો મનમાં તરત જ બેસી ગઈ. અંધારે કાંઈ જ કળાય નહીં. નેસવાસીઓને સરકારે આપેલી એક-બે સોલાર લાઈટ હતી. પણ એ તો દૂર. વાતવાતમાં પાછળથી ખબર પડી કે આ વગડામાં અંધારે લાઈટ કરે તો ચોમાસાના જીવડાં હ઼ખેથી રહેવા ના દે. એટલે અંધારું આ નેહડામાં રહેનારાનું કાયમનું સાથી. ભાઈ મેહુર એમ રહેણીકરણીનો જુનવાણી. બૈરાઓ હ઼ારે સંકોચાઈને બોલે-કરે. જુનવાણી નેકી-ટેકીના એના સંસ્કારો મને પહેલેથી ગમે એટલે અમારી વચ્ચે હેત વધતું રહ્યું છે. મેહુર રાતે નેસમાં પહેલીવાર આવતો હતો એટલે એને માટે પણ એ કળાવું મુશ્કેલ હતું કે આમાંથી એના મામાજી સસરાનું ખોરડું કયું? એક મોકળા પટમાં જઈને એણે સાદ દીધો : 'એલા સામતમામા...હોઉઉઉ...'

(સામતભાઈ રબારી એટલે મારા દોસ્ત મેહુરના મામાજી સસરા. અમારા યજમાન. જો કે, આ યજમાનને અમે પહેલેથી જાણ જ નહોતી કરી કે અમે ત્રણ નવરી ઘો આવીએ છીએ. મને થોડો સંકોચ થતો હતો કે આવાં કટાણે આપણે માથે નથી પડવું. પણ મેહુરને મન એક જ વાત: 'એ બધાં સંકોચ ને મોટાપા તમારાં શહેરીઓના. આંયથી તમે ભૂખ્યાં નહીં જાઓ.' મેહુર મારી કઈ ભૂખની વાત કરે છે તે હું બરાબર પકડી શકતો હતો એટલે રાજી થયો કે થવું હોય તે થાય આપડે આંયથી ધરાઈને જ બારા નીકળવું છે.)


સાદ સાંભળીને અંધારાના એક ખૂણેથી કોઈ સ્ત્રીના વળતા અવાજનો નમણો ઘા થયો : 'એ આવો ભા. તમારો મામો ભેંહુ લઈને ધોળિયે ડુંગર ગ્યો'સ. અબઘડીએ આવસે ભા. તમે યાં ઊગમણી-પા, વાડા પાંહે બેહો. વાછટિયે ખાટલા ઢાળેલા જ સે.'

મને તરત હસવું આવ્યું : આ અંધારે અમને અજાણ્યાને ઊગમણી દિશા કેમની જડશે? મેહુરને ટપારતો હું તરત બોલ્યો : 'લે ગોત્ય.'

જાતનો રબારી. પોતાને ગામડે ગામ ખેતીય કરે એટલે સૂસવાતા પવન ને પડતાં ફોરાંની દિશા પરથી ઉગમણી દિશા પારખી ગયો. તરત બોલ્યો : 'મારી વાંહે હાલ્યા આવો'. હું ને ભાઈ બનેસંગ એની પાછળ દોરવાયા. અમારી હારોહાર મચ્છરો પણ હતાં. ગયાં બધાં, મારગનો ગારો ખબક-ખબક કરતાં. સાથેના બીજા ભેરુ બનેસંગે બે વખત મને કાનમાં કહી પણ દીધું : 'ભાઈ, આંયા રાત કાઢશું તો હ઼વારે દવાખાનામાં હશું. આ મચ્છરના રાજમાં આંયા રે'વું કેમ કરીને? એના કરતાં હાલો ઊના જઈને હોટલમાં મસ્ત રૂમ રાખી લઈ.' પણ મારી ડગળી પહેલેથી ગીરની રાતને સંભોગવાની હતી. કોને ખબર આ રાત ઉમ્રભર મળે ન મળે? મેં એનું સાંભળ્યું ન સાંભળ્યું કર્યું ત્યાં સાંઠીકડા ને ઝાડના ઠૂઠાં-લાકડાંથી બનાવેલી એક ઝૂંપડીમાં ખાટલા ઢાળેલા કળાયા. ખાટલાની પડખે જ એક ફાનસનો પોટો ઝગતો હતો. ખાટલા પર ઊનની ધડશી જેવાં ભરત ભરેલા ગોદડાં પાથરેલા હતાં. હજી તો બેઠાં કે એક દસેક વરસનો છોરો હાથમાં બોઘરણું લઈને દોડતો આવ્યો ને અમને પાયલાગણ કર્યાં. એના બીજા હાથમાં પિત્તળની તાંસળીઓ હતી. તેણે એમાં છલકાતું દૂધ ભરીને અમને ધર્યું. મેં કહ્યું : 'પાણી પીવું છે'. તો કહે, 'મારા બાપુએ કયું'સે કે મે'માનને પેલા દૂધ દેવાનું. પાણી તો મારી બા વાંહે લૈને આવસે.' આ સાંભળીને આપણે બંદો, સપડાક. જ્યાં પાણી પહેલા દૂધ પીરસાય છે તે થળે હાજર 'હોવા'નો રોમાંચ હજીય મારા રૂંવાડે ફરકે છે. પીધું. ધરાઈને બે તાંહળી ભરીને દૂધ હું ગટગટાવી ગ્યો. બનેસંગ પણ. મેહૂરે ના પાડી. એને વળી દૂધની બાધા. આ રબારી ઊઠીને દૂધની બાધા લે એની વળી બીજી એક રોમાંચ કથા છે પણ અટાણે તે વાતનું ઓહાણ હું તમને નહીં ચીંધું. હજી તો તાંહળિયું ગટગટાવી ત્યાં સામતભાઈ ભેંસો ચરાવીને આવી પહોંચ્યા. અમે આમને સામને રામ-રામ કર્યાં. મેહુરે એકબીજાની ઓળખાણ કરાવી. સામતભાઈ વાતવાતમાં એક જ વાત કરતાં હતાં : 'અરે મારો બાપ, તમીં પેલેથી વાવડ મોકલ્યા હોત તો મે'માન-ગતિ હ઼રખી કરી હ઼કત. આ તો અમારો નેહ લજવાણો. આ મસરિયા ને આ વરહ઼તા મેહમાં તમે શીદને રાત હ઼ુઈ હ઼કશો? તમારી ઝીવા પાકા મકાણ(ન) અમ નાની પસેડીના મા'ણા પાંહે તો ના હોય હો બાપ. પણ ભલે તારે આયવા સો તો અમર થૈને રો. આ તો ખબર્ય હોત તો શેરમાં જઈને કાંક શાકપાંદ લઈ આવત. પણ ચટણીને છાહ-રોટલો ખાજો. ખાટલે આડા પડો તંયે હ઼ૂતી વેળાએ પાછું દૂધ પીજો. હાલો ત્યારે ભૂયખા થ્યાં હસો. વાળુ કરી લઈં.' 



ઢાળેલા ખાટલે બેઠાં ત્યાં બેય હાથોમાં થાળીઓ લઈને નમણી બે જુવાન છોકરીઓ આવી. રૂપાળી તો એવી કે અંકાશી હુરપરી જોઈ લોને. વાછટિયામાં જ મોર-ભરત ટાંકેલા રૂડાં આસનિયા પથરાણાં. સામતભાઈએ અમને ત્રણેયને વળી જમતી વખતે ગોઠણે રાખવા ઢીંચણિયા દીધાં. મેં તો તરત ગોઠણ નીચે રાખ્યું. મારી અંદર સાંઈઠ-સિત્તેર વરસ પહેલાનો સમય જીવતો થઈ ગયો હોય એવું અનુભવાયું. (હમણાં રાજકોટમાં એક માલેતુજારના ઘરે ટ્રિપોઈ પર શૉ-પીસ તરીકે આવા એક ઢીંચણિયાને જોયેલું ત્યારે એ પૈસાદાર મહાશયની ભારે દયા આવેલી.) થાળીમાં ચોમાસાના જીવડાં ન પડે એટલે સામતભાઈએ ફાનસ ઠારી દીધું. અંધારે ચટણી-રોટલો ને છાહ઼ પીતાં પીતાં અમે વાળું કર્યાં. કલાક બે કલાક મેહુરે ને સામતભાઈએ પરિવારના સુખદુ:ખની વાતો કરી. એમની વાતોમાં ક્યાંય એવું નહોતું લાગતું કે આ બે અજાણ્યાં પરિવાર બહારના મારી ને બનેસંગ જેવા માણસો પાસે પરિવારની કે ઘરની વાત્યું ના કરાય. હું અને ભાઈ બનેસંગ વચ્ચે વચ્ચે ખીસ્સામાંથી મોબાઈલ કાઢીને સમય પસાર કરવા મથી લેતાં. પણ અહીં મોબાઈલ કવરેજ મળતું નથી. કંટાળીને સ્વીચ-ઑફ કરીને ઠારી દીધી એ માયાને. જાગતાં, વાતો સાંભળતાં, કહેતાં લગભગ અરધી રાતના બારેક વાગવા આવ્યા હશે ને જંગલમાં એકદમથી પહુડાની ચીસો વધવા લાગી. વાંદરા ચિચયારી એવી કરે કે જંગલનીય છાતી ફાટી જતી હોય એવું લાગે. ઝોકમાં બેઠેલી ભેંસોય હિંકોટા નાખવા લાગી. મને જેટલી મજા આવતી હતી એટલો જ ડર લાગવા લાગ્યો. સામતભાઈએ કહ્યું : 'હમણાં અમારે આ પંથકમાં સિંદોરિયાની રાડ્ય વધતી જાય છે. આયવો હશે પાસો. કંયે આવે ને કંયે ગાયબ થઈ જાય એ જૂના વખતથી કળાતું નથ્ય. ઈવડો ઈ હોય તો જ આ નેહડાની ભેંહુ રોણા રોતી હોય એમ ભાંભરે. બાકી બીજા હ઼ાવજને તો આ અમારી કૂંઢીયું ગણે એમેય નથ્ય. પણ હાલો ત્યારે મે'માન, તમીં હ઼ૂવો. મારે પહોર ચારવા જવાનો વખત થયો.' 


સામતભાઈની વાત તરત મેં પકડી લીધી : 'સામતભા, મામા અમારેય ભેરું આવવું સે. જંગલની રાત્યની મોજું લેવા તો આવ્યા છીએ.' 

'બાપા, મોજ્યું તો તમની હ઼ંધાયને લાગે. એમ આ વંન કાંઈ તમારા શેરનો બગીચો નથી કે તમે હ઼વાર-હ઼ાંજ ફરવા નીકળી પડો. જોખમ ઘણાં છે અને તમીં અમારાં મે'માન કે'વાવ હો બાપ.'


સામંતભાઈની આ છેલ્લા મનાઈ-હૂકમ જેવી વાત સાંભળીને મેં મેહૂર તરફ નજર માંડી. એ મારી આંખ વરતી ગયો હોય એમ ઊભા થતાં બોલ્યો : 'સામતમામા, ભાણેજને ના નો'કેવાય હો ને આ તો વળી પાછાં દરબાર છે. નહીં લઈ જાઓ તો આ ગરાસિયો ને જંગલનો હ઼ાવજ બેય આપણને જંગલ બા'રા ખદેડશે. હાલો ત્યારે કાંઈ નઈં થાય. તમે ભેગાં હો પછી અમને કાંઈ ભો નથ્ય.'


બસ, પછી તો સામતભાઈએ વાડામાંથી પંદરેક ભેંસોને બહાર કાઢી ને અમને સૂચના આપતાં કહ્યું: 'ભાણાભાઈ, મારો વાંહો છોડતા નૈ. ભેરા રે'જો. ઘડી, પા-ઘડીએ વાંહે વરીવરીને જોઈ લેજો. સિંદોરિયો મારો બેટો વેર વાળવા બેઠો'સ. ઈ નક્કી આજકાલમાં હ઼ંધીય તાકાત લગાવીને ખાબકવાનો. ને મે'માન તમને ખબર્ય નથ્ય, હું કાંઈ અમથી ના ન પાડું પણ ઈની દાઢ્યું પહુડા કે ડોબા હ઼ાટુ એણે હ઼ાચવી જ નથ્ય. માલધારી પર વેર વાળવા અમારાં બાપ-દાદાના વખતથી અમુક-તમુક વરહે દેખા દે છે.'


મને થયું કે આ ડોહ઼ો અમને લઈ જવા માગતો નથી એટલે બીવડાવે છે, પણ આપણે બંદાએ તો તેની એ વાતો 'અબી-સુના,અબી-ફૉક' કરી નાખી. નેસની બહાર નીકળ્યા ત્યારે જ હવે અંધારાની સાચી ખબર પડી. સામતભાઈના ધોળા બાસ્તા જેવાં લૂગડાં સિવાય કાંઈ કળાય નહીં. આસપાસ આગિયાના ચમકારા અલૌકિક એટલાં જ આધ્યાત્મિક લાગતાં હતાં. વાતાવરણમાં લીલી ગંધ વરતાતી હતી. અરણીની તીખી સુગંધમાં ને પહુડાના અવાજોમાં ભયમિશ્રિત આંનદ હતો. લગભગ ત્રણેક કિલોમીટર સુધી અમે સામતભાઈ ને એના ઢોર પાછળ અંધારું પીતા-પીતા ચાલ્યા હોઈશું ને ત્યાં એક ટેકરી પરના ખુલ્લા પટમાં ઘણાં ચરિયાણવાળા ઠેકાણે અમે પોરો ખાધો. ભેંસો બધી પોતપોતાની રીતે આસપાસ ઝૂંડ બનાવીને ચરતી હતી. સામતભાઈ અમને ઓરસ-ચોરસ બનેલી ટેકરીની એક પંદરેક ફૂટની છીપ્પર પર લઈ ગયાં. 


'દિ'ટાણાનું અંજવાળું હોત તો તમને આંયથી આખ્ખું વંન કળાત' સામતભાઈ બોલ્યા પણ મને તો આ ટાણે સામતભાઈના શબ્દો જ ખાલી દેખાતાં હતાં.

છિપ્પર પર મેહૂર ને ભાઈ બનંસંગે લંબાવ્યું. હું પગ લંબાવીને બેઠો. વરસાદ અટક્યો હતો એટલું સારું હતું. સામતભાઈને મેં લાગલું જ પૂછી લીધું: 'આ સિંદૂરિયો હ઼ાવજ તમારાં બાપ-દાદાના વખતથી આવે છે તમને રંજાડવા ઈ વાત કાંઈ હ઼મજાણી નઈ સામતમામા. હ઼ાવજ કાંઈ એટલું બધું જીવે?'

'ના ભા. જનાવર કાંઈ એટલા વરહ થોડાં જીવે? નો જ જીવેને? 

'તો?!' - મેં પૂછ્યું.

'આ સિંદોરિયો જીવે સે જ ક્યાં? એ તો એંશી વરહ પેલા દેવ થઈ ગ્યો'સ. આ તો કંયેક-કંયેક આવે ને એના ભોગ લઈ જાય'સ'.'

'હેંએએએ...' - તમે કોઈ માનશો નહીં પણ મારાથી રીતસરની રાડ ફાટી ગયેલી. મેહૂર પણ તરત બોલ્યો : 'સામતમામા, બિવરાવો છો કે રાત ખૂટાડવા ગપ મારો છો?'

'ભાણાભાઈ, બાપ આ રાત જેવું ધાબું સે ને આ ગર્ય(ગીર) જેવો આશરો સે. આંય ખોટું બોલે એને ઑલ્યો સિંદોરિયો લે. તમારા હ઼મ, એને દેવ થ્યે એંશી ઉપર વરહ થયા હોય તો'ય ના નૈ. દર દસ-બાર વરહે એક વરહના એના આંટા ફેરાં આ આટલા પંથકમાં કોઈ કોઈ માલધારી દેખી જ લે સે. અને જે માડીજાયો એને ભેટે ઈ જીવતો ફાટી પડે હો. આમ, આ આથમણી પા જોવો. ઓલી હ઼ામે, ઓલા વાદળે ભટકાણેલી દેખાય સે ઈ ધોળીપાટ.'

સામતભાઈએ હાથ લાંબો કરીને ચીંધી એ દિશા તરફ અમે નજર માંડી. દૂર ડુંગરની ટોચ દેખાતી હતી. એક મેલા રૂના પૉલ જેવી વાદળી એ ડુંગર-ટોચને અડીને પડી હતી. 

સામતભાઈએ વાત આગળ વધારી : 'ભાણાભાઈ, માણા ભૂત થાય ઈ વાત્યું તમે હ઼ાંભરી હય્શે; પણ આંયા આ પંથકમાં આ હ઼ાવજ પણ ભૂત થઈને ભટકે સે હોં ભા. અમીં નેહના બધાં દર કાળી

શતરદશી(કાળીચૌદસ)એ આ ધોળીપાટના એના થાનકે સિંદૂર ચડાવી ને સવા પાલી લાપશી રાંધીએ એટલે એમ હજી લગણ આપણાં તોરણે એના નૉર(ન્હોર) નથી ભરાણાં. પણ આ એંશી વરહમાં નૈ-નૈ તો લગભગ એંશીક માલધારીને એણે હેબતાવી હેબતાવીને મારી નાયખા હશે.'

મેં પૂછ્યું : 'કારણ?'

'કારણ તો હ઼ાચું-ખોટું રામ જાણે દરબાર. પણ ઘલઢાં વખતની વાત હાલી આવેસે કે સિંદોરિયો આ ધોળીપાટે એક સિંહણ હારે ઘારણમાં(મેટિંગમાં) મગન હતો ને એક ઢોરા ચરાવતાં માણાંએ વાંહેથી અનાસક(અચાનક) આવીને એને કપાળ વચ્ચે કડિયાળી ડાંગ દાબેલી. એના રામ યાં જ સિંહણ હ઼ામે તરફડિયા ખાઈ-ખાઈને મરી ગયેલાં. આ તે'દુનો સિંદોરિયાને આટલાં મુલકમાં કોઈ કોઈ દેખી જાય સે. હાથે મોઢે મારે કોઈને નહીં, પણ વંનની છાતી ફાટી જાય એવી ત્રાડ નાખી નાખીને માણાને હેબતાવી હેબતાવીને મારે છે. પાણીની બારના માછલાની જેમ તરફડી તરફડીને માણા મરી ન જાય ત્યાં લગણ એ ત્રાડું પાડતો રહે હો. ભા, જનાવરને ય જીવ તો સેને હેં? ઈનેય ઈની ઘરવારી હ઼ારે માયરે લગન કરવાનો તો હક જ઼ હતોને હેં??'


[તમે માનો કે ના માનો, પણ આ આટલી ગીરની વાત મેં-અમે કાનોકાન સાંભળી છે. ભૂત થઈને દેખા દેતાં સિંદોરિયા હ઼ાવજની વાત ત્યાંના નેસવાસીઓમાં આજેય નાના છોકરાં જાણે છે. બીજે દિવસે સવારે અમે ધોળીપાટ જઈને સિંદોરિયાનો એ પાળિયો પણ જોયો. સિંદોરિયો નામ એટલે પડેલું કે એને એના પત્થર-પાળિયા પર ત્યાંનું લોક દર કાળીચૌદશે સિંદૂર ચડાવે છે. આપણાં ગીરમાં ને ગીર આસપાસ વસતાં લોક હૈયા અને કાનમાં જંગલના પ્રાણીઓ સાથેના સીધાં આમના-સામાના(encounter)ની એવી બીજી ઘણી રોચક વાતો ભરી પડી છે એ હું જાણું છું.]

Comments

  1. ખૂબ ઉમદા લેખન બાપુ. ગિરની રાઈતુની કિંમતતો સાચો ગિરપ્રેમી જ આંકી શકે.

    ReplyDelete
  2. વાહ...ગીર ની આવી જ મોજ કરાવતા રહેશો...

    ReplyDelete

Post a Comment

Popular Posts