સાઈકલ તો ચલતી ભલી...પાંજો કચ્છ!




વાત બહુ નિરાંતે કીધી છે. કેમકે પ્રવાસ બહુ લાંબો ને ધીમો હતો...



        હું તો બસ સાઇકલ લઈને નીકળી પડ્યો. પણ આમ હું આ નીકળી પડ્યો એ પહેલા જાલિમ-ટુલિયા જેવો પેલો કૉરોના મારી પાછળ પડેલો. ખૂબ...ખૂબ સાવચેતી રાખી હતી છતાંય એક સાંજે નિધિ (મારાં પત્ની) પેલી ગરવી ગુજરાતણો કહે છે એવા ટૉનમાં મને કહે : 'તમને કહું છું, સાંભળો છો? આ જમવાની કોઈ વસ્તુના મને સ્વાદ કેમ નહીં આવતા હોય?!!' જો કે તેને જોતાં ક્યાંય લાગતું નહોતું કે કૉરોના અમારી ખડકીએ પણ સાંકળ ખખડાવી રહ્યો છે. ન એને શરીરનો કોઈ થાક, ન તાવ કે ન કોઈ બીજા સંકેત. ક્યારેક કહે કે ખીચડીનો સ્વાદ આવે છે ને ક્યારેક કહે કે શાકનો સ્વાદ નથી આવતો. ક્યારેક કહે કે રોટલી ખાઉં તો ભીનું રૂ ચાવતા હોઈએ એવું લાગ્યા કરે છે. સ્વાદની આવી સંતાકૂકડી એને બે દિવસ ચાલી. એ બે દિવસ તો મેં મજાક કરી : 'કૉરોનાના એવા નસીબ ક્યાંથી કે એ વળી તમને વળગે!?' પણ વળતી સવારે ઊઠીને મને શુંય થયું તે ઘર પાસેના ફૂલવાડી ચૉકમાં જ મ્યુનિસિપાલિટીની હેલ્થ ડિપાર્ટ્મેન્ટની ટીમ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવા બેઠેલી ત્યાં આખાય ઘરનું ધામચડું ઊપાડ્યું કે, 'હાલોને એક વખત ટેસ્ટ કરાવી લઈએ તો મનનું સમાધાન થઈ જાય.' પેલ્લો વારો લીધો નિધિનો. તપાસ કરતાં ખબર પડી કે નિધિના શરીરમાં કૉરોનાએ ગણેશ બેસાડી દીધાં છે. માઈલ્ડ પૉઝિટિવ રીપોર્ટ આવ્યો. મારો ને દીકરીનો રીપૉર્ટ નેગટિવ હતો. પણ મેઘાણીદાદા કહે છે એમ 'ચકલાના પોટા જેવા બાળકો'ની ચિંતામાં અમે બે'ય ચકો-ચકી ભારે મૂંઝાણા. એકને થયો છે તો બીજાને થવાની હવે પૂરી શક્યતા હતી. એમાં પાછું નાના છોકરાવાળું ઘર ને અમે હૂતો-હૂતી(પતિ-પત્ની) બે જ. ન કોઈને સેવા કરવા બોલાવાય કે ન નાનકૂડા ધાવણા બાળકને કોઈની પાસે મૂકવા જવાય. ચૌદ દિવસ હવે પરીક્ષાના હતા. કૉરાનાએ અમારા જીવનના એ ચૌદ દિવસના સ્વાદ બેસ્વાદ કર્યા પછી પત્નીનો રીપૉર્ટ જ્યારે નેગેટિવ આવ્યો ત્યારે 'ઘણનો ઘા ઘસરકે ગયો' જેવી મને લાગણી થયેલી. અને પછી તો બાળકો ગયાં દીવો બળે એટલે દૂર - એમના મામાને ઘેર. અને આ તરફ હું મુઠ્ઠીઓ વાળીને નીકળી ગયો સાઈકલ લઈને કચ્છનો મુલક ખૂંદવા.

        પાંજો કચ્છ(આપણું કચ્છ).
        કેટલીક વ્યક્તિ ને કેટલાંક મુલક જ એવા હોય છે જે તમને યુગોથી સાદ પાડતા હોય છે. જ્યાં સુધી તમે એને ધરાઈને ભેટો-મળો નહીં, જ્યાં સુધી તમે એની સાથે નિરાંતની વાતો કરો નહીં ત્યાં સુધી તમારો માંહ્યલો પણ ખુદ તમારાથી રિસાયેલો રહે છે. આ એવા ગમતીલા માણસોના નામ તો હું તમને નહીં કહું. પણ મને યુગોથી સાદ પાડનારાં પેલી ગાંડી ગર્ય(ગીર) ને આ પાંજો કચ્છ મારા શરીરના ડીએનએ(DNA)માં ઘર કરી ગયેલા છે એટલું તો હું ચોક્કસ કહીશ. જ્યારે જ્યારે પણ મેં મોરબીને પેલે પાર સૂરજબારીનો પૂલ વટીને કચ્છની ધરતી પર પગ મૂક્યો છે ત્યારે ત્યારે મને સતત એમ લાગ્યું છે કે- 'પહેલા હું અહીં રહી ચૂક્યો છું. ખબર નહીં કયા જન્મે? ખબર નહીં કયા અવતારે? ખબર નહીં કયા વેશ કે અવશેષમાં. પણ હું 'કોઈક સમયે અહીં હતો ને હજીય અહીં જ છું'-નો અહેસાસ મને સતત રહ્યો છે. તમે મને હવે ગાંડો કહેશો નહીં? કહો. એનોય વાંધો નથી મને. કંઈ ગાંડાના થોડાં ગામ હોય છે હેં સંતો?! પણ હું ભાવનગરથી સાઈકલ લઈને કચ્છમાં જવાનો છું એવાં મારા ગાંડપણની વાતો જ્યારે મારી આસપાસના ઘણાંએ સાંભળી ત્યારે હું એ બધાંના મજાકનું પાત્ર બની ગયો હતો. કોઈ મને મૂરખ કહેતું ને કોઈ મને ઘેલો ગણતું. ઘણાં કહેતા મને : 'કચ્છમાં જવું હોય તો બસ અને બીજા વાહન ક્યાં નથી? આ આવી ઠંડીમાં તારે શું કરવા આવા ગાંડા કાઢવા છે!? અરે તારી બે નાળચાવાળી ફટાકડી બાઈક છે એ લઈને જાને. આમ સાઈકલ લઈને આટલે આઘે ટાંગા-તોડ શીદને કરવાના?!!' પણ એ લોકોને મારા પર હસતા જોઈને મને ભારે મજા આવતી. મને તરત પેલો કચ્છી દૂહો ને એ દૂહા પાછળની કથા હૈયે ને હોઠે ચડેલા. હું એ મનોમન બોલી પણ ગયેલો કે :
"આંઉ ન પસાં પાણ કે, તું કીં પસેં પાણ;
કૂડા પડેં કૂરાન, અલા ઘર કીં અગંધો?"
        આ દૂહાના મૂળમાં કથા કંઈક આવી છે : એક વખત એક મારા જેવી જ કોઈ ઘેલી પ્રેમિકા પોતાના પિયુને મળવા માટે પૂરપાટ આંધળી બનીને દોડ્યે જતી હતી. મારગના કાંટા-કાંકરા ઠેબે લેતી જાય છે ને એને તો બસ એનો પિયુ જ દેખાય છે. બરાબર એ જ વખતે રસ્તામાં એક મૌલવી નમાજ પઢી રહ્યો હતો. પણ આ પ્રેમિકા તો લે-લીન બનીને દોડતી હતી ને એનો પગ મૌલવીના નમાજ પઢવાના કપડા પર પડ્યો. મૌલવીએ તરત ગુસ્સામાં આવીને એ યુવતીને ધમકાવી કે, 'અય આંધળી!! જોતી નથી? હું અહીં ખુદાની બંદગી કરું છું.' મૌલવીના આવા ઠપકાનો જવાબ પેલી પ્રેમિકાએ આ દૂહાથી આપેલો કે 'હું પોતે જ મને જોઈ-દેખી શકતી નથી ત્યાં અરે તું તને પોતાને કેમ કરીને જોઈ શકે છે? તું આ ખોટો કુરાન(કૂડા પઢેં કુરાન) પઢી રહ્યો છે. અલ્લાહના ઘરમાં આવું શી રીતે ચાલી શકશે?' મને રોકતા-ટોકતા લોકોને પણ હું એમ કહીને કચ્છ ભણી નીકળી આવ્યો કે, 'મારા ટાંગા તૂટે એમાંય મને મારો પ્રેમી જડે છે. મને મારી બંદગી કરવા દો. તમારી બાંગ તમને મુબારક.' પણ, આ દુનિયાના લોક મને ગાંડો-ઘેલો કહે એવું એક મજ્જાનું ગાંડપણ હું હમણાં કરી આવ્યો છું ને મારી એ આનંદ યાત્રાનું ભાથું આપ સહુ પાસે આજે મારે હવે છૂટેપેટ વહેંચવું છે.


         'દિલ્હી ભલે દૂર હોય પણ જાવું તો જરૂર છે'- એવું તો મેં ઘણાં સમયથી નક્કી કરી રાખેલું હતું. મારા નાના ભાઈ આ અગાઉ રાજકોટના કોટડા-સાંગાણી તાલુકાના અમારા વતન-ગામ પાંચતલાવડાથી કચ્છમાં માતાના મઢ સુધીના સાઈકલ પ્રવાસ કરી આવેલા.આ વખતે પણ એ જવાના છે એવી મને જ્યારે ખબર પડી ત્યારે મેં એમને કહેલું કે, 'રજાઓના દિવસો લેશો તો હું પણ ભાવનગરથી સાઈકલ લઈને આવવાની અનુકૂળતા કરીશ. અને પછી તો ૨૦૨૦ના ડિસેમ્બરમાં અમારા ચૌદ દિવસ કૉરોન્ટાઈન રહ્યા પછીના તરતના વળતા રવિવારની એક વહેલી સવારે પાંચેક જોડ કપડાં, બે જોડ ગરમ જેકેટ, બે મફલર ને મારા કોટડા-સાંગાણી કૉલેજના પ્રિન્સિપાલ પાઠકસાહેબની પરાણે ભેટમાં મેળવી લીધેલી એક ગરમ વાંદરા-ટોપી, બે જોડ ગરમ હાથ-મોજાં, વળી એક ગરમ ધાબળી, એક અજરખ, ને થોડો મારો રૂપાળો ચહેરો તબકાવવા પફ-પાઉડરનો સામાન એક મોટ્ટા થેલામાં ભરીને હું જાણે જંગ જીતવા ઉપડ્યો. ને વળી સાથે ઝાડા-ઊલટી, તાવ-શરદી, પેટમાં ચૂંક ને પેટમાં વીંટ, માથા ને પગના દુખાવા મટાડવાની રંગબેરંગી ટિકડીઓનો આખોય મેડિકલ સ્ટોર તો ખરો જ. એ દિવસે સવારે ચાર વાગ્યે ઘરને ખંભાતી તાળું માર્યું ને ઠંડીથી બચવા એસ્કિમોની જેમ ગદડ-મદડ ઢબુરાઈને જ્યાં સાઈકલનું પહેલું પેડલ માર્યું ત્યાં ગિયરવાળી સાઈકલની ચેઈન ખડી ગઈ. આગલી રાતે મને પ્રેમ કરનારા બે ભાઈબંધો ઘરે આવીને મારી સાઈકલના ગિયર ટકા-ટકી કરી ગયેલા તે સવારે પેડલ માર્યા કે ચેઈન ઊતરી ગઈ. લ્યો, આરંભે હાથ કાળા કરો હવે. ચેઈન ચડાવીને સાઈકલારૂઢ થયો ને અરધોક કિલોમીટર સાઈકલ ચલાવી ત્યાં સામાનનો થેલો ભંફાગ કરતો નીચે પડ્યો. એને ઉપાડી વળી કેરિયર પર બેસાડ્યો ને જ્યાં ત્રણેક કિલોમીટર ચાલ્યો કે વળી પાછો સામાનનો થેલો ભોંયભેગો. મનમાં થયું કે શુકન સારા નથી. થોડે આગળ રડવડતું ગાડું ચાલ્યું ન ચાલ્યું ત્યાં વળી કેરિયર પર ટિંગાતો થેલો રિસાણો. સામાનનો થેલો ન તો કેરિયર પર સરખો રહે કે ન તો બેકપેકની જેમ એને ટિંગાડી શકાય. પત્નીએ જાણે હું બીજું ઘર માંડવા જતો હોઉં એટલો સામાન ભરીને મારો થેલો તૈયાર કરી આપેલો. લગભગ પાંચેક કિલોમીટર ચલાવીને સાઈકલનો યુ-ટર્ન લઈ લીધો. તરત સમજાઈ ગયું : 'જવું જ હોય તો બધો સામાન પાછળ છોડીને જવું પડશે. નહીં તો બાવાની મઢીનો વિસ્તાર વધતો હાલશે ને દિલ્હી અંતે દૂર જ રહેવાનું.' કડકડતી ઠંડીમાં પણ મને હેન્રી ડેવિડ થૉરો સાંભરી આવ્યા : 'જ્યારે માનવીનું નિર્માણ ચપટી ધાન જ ખાવાનું છે, ત્યારે તેઓએ પોતાની સાઠ એકર જમીન શા માટે ખાઈ જવી જોઈએ?' અને હું જે મારા ખપનું નથી તે બધું પાછું મૂકવા ઘરે પાછો આવ્યો.

        આઠેક કિલોમીટરનો આવો ધરમ ધક્કો ખાઈને હું ઘરે પાછો આવ્યો ને મારા થેલામાંથી મેં દવાઓ ને બિનજરૂરી કપડા અંતે કાઢી નાખ્યા. એક વિચાર તો એવો આવી ગયો કે હવે આજ નહીં પણ કાલ સવારે જઈશ. પણ પછી થયું કે આમ 'હરેરી ગ્યેલા બળદની જેમ પૂંસ પડી જાવું' તે સારું નહીં(*'પૂંસ પડવું' = ખેતીકામથી ખૂબ થાકીને બળદ જ્યારે જોતરેલ ગાડે કે જોતરેલ હળે જ જમીન પર નીચે બેસી જાય છે ત્યારે ખેડૂતો બળદનું પૂંછડું પકડીને એને ઊભા થવામાં મદદ કરે છે) થેલામાંથી બે-જોડ કપડા સિવાયનું બધું ફગાવીને મેં ભાવનગરથી જ્યારે સાઈકલનું પહેલું પેડલ માર્યું ત્યારે મને સાચ્ચે જ ખબર નહોતી કે હું પાછો આવીશ ત્યારે મારી સાઈકલના કેરિયર ઉપર બેસીને આખ્ખુંય કચ્છ પણ મારી સાથે આવશે. સવારે ચાર વાગ્યે નીકળવા ધારેલું હતું પણ નીકળ્યો અંતે બે કલાક મોડો. આટલા લાંબા અંતરના પ્રવાસમાં સાઈકલ ચલાવવાનો આ પહેલા કોઈ અનુભવ નહોતો. બસ મન સતત કહેતું હતું : 'પૃથ્વી પટે તું નીકળી પડ.' અને હું એમ નીકળી પડ્યો.




        લગભગ ત્રણેક કલાક સુધી પિસ્તાલિસ કિલોમીટર જેટલું મારું બે-પૈડાંવાળું વહાણ હંકારીને હું લોકભારતી-સણોસરા પહોંચ્યો. લોકભારતીમાં મારા રુદિયાના ભેરુ, મારા વડીલ મિત્ર નીતિન ભીંગરાડિયાનો મુકામ. મરતાં માણસમાંય પ્રાણ ફૂંકવાનુ એમને આવડે છે અને એટલે આ આદમી મને સુવાંગ ગમે છે. લોકભારતીમાં નીતિનભાઈના પત્ની નયનાભાભીએ મારા માટે ગરમ-ગરમ ભાખરી ને દહીં, લીલા લસણની ચટણી, ઘી અને ખજૂરની મીઠી મુલાયમ પેશીઓ તૈયાર રાખેલા. ભૂખ કકડીને એવી લાગી હતી કે, 'ઓ મૈયા, ભિક્ષાનં દેહિ' કહીને ખાવા ઉપર તૂટી પડ્યો તે એક નહી, બે નહી પણ પૂરી ત્રણ-ત્રણ ભાખરી ટટકાવી ગ્યો. સામેના ઘરે કવિ મિત્ર વિશાલ જોશી રહે. એમનીય મહેમાનગતિ માણી. નીતિનભાઈ તો વળી બાઈક લઈને બારેક કિલોમીટર દૂર આવેલી રંઘોળા ચોકડી સુધી મને વળાવવા આવ્યા. એ બાઈક પર ને હું સાઈકલ પર. કંઈક વાતોના પોટલા અમે છોડ્યા. કહે કે, 'બાપુ, તમે આ જે કરો છો એ બધાં નથી કરતા. જિંદગી તો આમ જ અલગારી સ્વભાવથી જીવવી જોઈએ. જાઓ, અભય નિશાન પામો ને કાયમ આનંદ-ઘરમાં જીવો.' અને પછી તો મારા જીવનની 'આનંદ' ફિલમના એ રાજેશ ખન્નાને અલવિદા કહીને હું આગળ વધ્યો.




        પરસેવે રેબઝેબ થતું આવ્યું ઢસા. એ પછી આવ્યું કવિ કાન્તનું ચાવંડ, પછી આવ્યું બાળપણમાં જે ભૂતના નામ સાંભળીને ઘણી ઘણી બીક લાગી છે તે બાબરા. બાબરા ટપીને આટકોટના પાદરમાં નદીના પુલ પર નમતી સાંજ પસાર કરી. શાહરૂખાનની જેમ ભાદર નદીના એ પુલની રેલિંગ ઉપર ઊભા રહીને હાથ ફેલાવી નમતી સાંજને ભેટ્યો. પાસેની જસદણ ચોકડી પર કેટલાંક પોલિસવાળા એના રૂટિન પેટ્રોલિંગમાં ઊભાં હતા. મને આમ પુલની રેલિંગ પર કૂકડાની જેમ ઊભો થયેલો જોઈને એ લોકો દોડતા આવ્યા. એમને થયું હશે કે હું નદીમાં કૂદી પડવા આમ ચડ્યો છું તે બે મજાની વીસ-વીસ કિલોની ગાળો દઈને મને એમણે નીચે ઊતાર્યો. આ ગરાસિયાએ એ ગાળોની પ્રસાદી પ્રેમથી ખાધી; કેમકે હમણાં 'આનંદ' સિવાય બીજું કશું પામવાનું નહોતું. પોલીસવાળાને માંડ મનાવ્યા કે ફિલમનો હીરો બનવાના અભરખા રહી ગયેલા તે આ અટાણે બસ ચેક કરી લીધું કે પુલની રેલિંગ પર ચડીએ તો કેવા લાગીએ?' અને પછી તો આટકોટમાં વણેલા ગાંઠિયા ને મરચાંની પીસેલી ચટણી ચાખીને રાત્રે આઠ વાગ્યા આસપાસ હું જ્યારે મારા વતન-ગામ પહોંચ્યો ત્યારે મને ખબર નહોંતી કે મેં એક જ દિવસમાં એકસો છપ્પન(૧૫૬) કિલોમીટર સાઈકલ પર કાપી લીધાં છે. સાવ સાચ્ચું કહું છું, થાક કે કંટાળાનું એક ટીપુંય મારા કપાળે બાઝેલું નહોતું. પહેલા જ દિવસે મને ખબર પડી ગઈ હતી કે : 'બાબુ મૉશાય, જિંદગી લંબી નહિ; બડી હોની ચાહીએ.' પણ મારી આ જિંદગી મને હંમેશા વણચકાસેલા કોઈ પ્રયોગ જેવી લાગી છે. પાછલાં થોડાં દિવસોમાં હું મારા જીવનને મારાથી થોડે દૂર..થોડે દૂ...ર અળગું કરીને જોવા લાગ્યો છું. તીવ્ર ઇચ્છા કરી છે એ બધું મને સામેથી આવી મળ્યું છે. ને જે આવી મળે છે તે બધું પણ મારામાં કંઈકને કંઈક ઉમેરતું રહે છે. મને હવે સમજાય છે કે મારા દરેક શ્વાસ અને પગલા હવે મારામાં કશુંક સભર કરી રહ્યા છે. બેફામ રખડપટ્ટીએ મને સહજ રીતે એક જ વાત શીખવી છે : જાતને ખુદથી ઉતરડી નાખવાની. અને આ સાઈકલના પેડલ મારીને આમ આ રીતે નીકળી પડવું એ પણ મારા જીવનનો એક વણચકાસેલો પ્રયોગ જ હતો. મને સતત લાગ્યું છે કે : ઘરમાં રહું છું તો 'હું નથી' ને બહાર રહું છું ત્યારે 'હું છું'. ઘણાં કહે છે મને : 'તું તારાથી ભાગતો ફરે છે.' એ બધાંને મારો મૌન રહીને એક જ જવાબ હોય છે : 'એનાથી વધુ સુખ કયું?'


        હાલારની હદે આવેલા મારા વતન-ગામ પાંચતલાવડામાં હું જ્યારે પહોંચ્યો ત્યારે મારા નાના ભાઈ અને એની સાઈકલ કચ્છમાં જવા તૈયાર હતાં. જો કે અહીંથી અમારે રથ(સાઈકલ)ની અદલાબદલી કરવાની હતી. ગિયરવાળી સાઈકલ હવે એ ચલાવશે અને હું સાદી ડાંડલાવાળી ગિયરવિનાની જૂનવાણી ઢબની સાઈકલ હંકારીશ એવું અમે અગાઉથી જ નક્કી કરેલું. વળતે દિવસે સોમવારે અમે સાઈકલને થોડી મરામત કરી. મારી મા સિવણ-કામ જાણે. બાળપણથી જોતો આવ્યો છું કે સિલાઈ-મશીન પર બેસીને એમણે મારા ઘરના કંઈક ટાઢ-તડકાની સિલાઈ કરી છે. મેં એમને તરત સાદ પાડીને કહ્યું : 'ઓ દુખિયાની બેનપણી, મને આ સાઈકલના મોંયલા ડાંડલે ચોંટી જાય એવું વેલ્ક્રૉવાળું એક બે ખાનાળિયું પાઉચ સિવી દોને. તો એમાં આ મોબાઈલ ને પાવરબેન્ક ને મારું પાકીટ ને એવું બધું પડ્યું રહે ને વળી હાથવગુંય રહે એવું હો.' અને એ દિવસે કરણના કવચ જેવું ને કંઈ-કેટલાંય ગુપત ખાનાઓવાળું કપડાનું પાઉચ મારી માએ તૈયાર કરી આપ્યું. થયું કે 'હાશ ચાલો, પૈસા ને મોબાઈલનો ભાર હવે શરીરથી આઘો રહેશે.'

        જો કે એ રાત્રે મને સ્હેજ પણ ઊંઘ નહોતી આવી. ગઈકાલના એકસો છપ્પન કિલોમીટરનો થાક હવે અરધી રાતે જીવતો થયો હતો. પડખા ઘણાંય બદલું, પગની પીંડીઓમાં બામ ચોપડું પણ શરીરના એકોએક મિજાગરાનો કાટ ખરખર ખરતો હોય ને એની ઝીણી કરચો મારી નીંદરને વાગતી હોય એવું લાગતું હતું. અરધી રાતે એક વખત તો એવા વિચારે પરસેવે રેબઝેબ થઈ ગયો કે હજી તો બીજા સાડા ચારસો કિલોમીટર બાકી છે. કેમ કરીને આવશે કચ્છ?? પીડામાં ને પીડામાં કણસતો રહ્યો ને સૂરજ નારાયણે ક્યારે કૉર કાઢી એના કાંઈએ સગડ ના જડ્યા. વળતે દિવસે સવારે પાંચેક વાગ્યે નીકળીએ તો સાંજ પડે ને રાત ઊતરે એ પહેલા મોરબી પહોંચી જઈશું એવી અમારી ધારણા હતી. મોરબી મારા ગામથી સો કિલોમીટરના અંતર-પટે પડેલું છે એટલે રાતનો મુકામ મોરબીમાં જ કરીશું એમ નક્કી કરેલું. પણ રાત આખ્ખી મારા પગ દુખ્યા હતા તે સવારે ભાગતા-ભાગતા અમને આઠ વાગી ગયાં. દકુભાઈ ધૂંઆફૂંઆ થાય : 'એ આ કાંઈ થોડા બાઈક પર કે કારમાં જવાનું છે તે આટલા મોડા નીકળવાનું? સાઈકલું કલાકની પંદર-વીહ કિલોમીટર માંડ હાલે અને આ ભાઈસા'બ હજી તૈયાર નથી.' વાત બધી સાચી પણ હવે થાય શું?! આમેય ક્યાંય પણ નીકળવાની બાબતમાં હું પહેલેથી ઢીલોઢફ તે આમાંય મોડું થઈ ગયું. એ દિવસે નાસ્તા-પાણી ઝાપટીને જ્યાં ઘરનો ડેલો ખોલ્યો ત્યાં મારા પિતાએ વાત વહેતી મૂકી : 'માતના મઢ જાઓ છો તો રસ્તામાં મેક(ર)ણ ડાડાનું થાનક આવશે. થોડું ફેરમાં થશે ને તમારે અંદરગાળે હાલવું પડશે. પણ હવે નીકળ્યા જ છો તો જઈ જ આવજોને. દિક્પાલ, તું યાં જઈશ તો તારે આઠે કોઠે દીવડાં ફૂટશે એવો ઈ ધૂણો છે. જાજો હો.' તમને બધાંને કહું? આ 'થોડું ફેરમાં' એટલે વધારાના ચાલીસ-દૂ-એંશી કિલોમીટર. મને થયું 'આ આમને તો એમ હશેને કે ચાલીસ કિલોમીટર એટલે રમત વાત.' સાઈકલમાં એંશી કિલોમીટર કાપવા એટલે એક આખો પોણો-દિ પેડલ મારવાના. મનમાં થયું : 'આ કાયમ મારા પર ધાગધાગા(ગુસ્સે) રહેતા પિતાએ આજ આ મેક(ર)ણ દાદાનું થાનક ચીંધ્યું છે તો ત્યાં કંઈક તો પામવા જેવું હશે જ. બાપના બોલ પાળવાય મેં મનોમન નક્કી કરી લીધેલું કે ભલે ફેરમાં પડે પણ હવે તો 'જાવું જરૂર' છે. હાલોને ભાઈ, 'હોડીને દૂર શું ને નજીક શું?' અને પછી તો અમ બે ભાઈઓની સાઈકલ-સવારી હાલારના એ ટાસોડિયા કેડાના કાંકરા ઉડાડતી હાલી નીકળી. વાયા સૂકી-સાજડિયાળી, સરધાર, ત્રંબા ને રાજકોટ આજી-ડેમ ચોકડી થઈને મોરબીને મારગે.


        આ મોરબીના મચ્છુ કાંઠાની કોઈ વાણિયણ મારો મારગ રોકે એ પહેલા તો મારગ વચ્ચે મને એક મજ્જાનો સુંવાળો શૈલષભાઈ ભેટી પડ્યો. માઈ ભક્ત. બોલવે-ચાલવે લાગે કે પુરુષના દેહમાં નારીની નમણાશ. સોજ્જો જીવ. આંખોમાં કાજળ. બોલતી વખતે હોઠના ખૂણા છેક કાનની બૂટ સુધી ખેંચાઈ આવે એવી ગુલાબી ને સુંવાળી મોં-ફાડ. એમણે અમારાં માટે મસ્ત મસાલા ચા બનાવી ને કંઈક ડહાપણની વાતો કરી. નીકળતી વખતે મને અગિયાર રૂપિયા આપીને કહે : 'ભા, ગમે ન્યાં હાલજો; પણ ઊજળે ચીલે હાલજો.' મને થયું આ એક સામાન્ય લાગતો ચા-વાળો આ વળી કઈ ગેબી-વાણી ભાખી ગયો!? અને મારે આ 'ઊજળો ચીલો' તે વળી શી રીતે શોધવાનો? પણ ચાલો, આગે-આગે ગોરખ જાગે. 'મારગમાં' આગળ વધશું એમ રસ્તાઓ રોનક પાથરશે. આ શૈલેષભાઈનું એક ઋણ મારે માથે ચડ્યું છે તે એ ઉતારવા પણ મારે ફરીને હવે કચ્છ જવું પડશે. કથા એની લાંબી છે. ક્યારેક પાસે બેસીને સાંભળશો તો એ નિરાંતે કહીશ. અત્યારે તો સાઈકલ આગળ વધારીએ તો અમે નમતી બપોરે બપોરાં કરી શકીશું. સવારે રાજકોટ વટીને બેટી નદીના પુલ પર અમે સફરજન ને સંતરાની કંઈક બટાઝટી બોલાવી દીધી હતી એટલે બપોરનો એક થયો તોય ભૂખ નહોતી લાગી. પણ જેવું રોંઢા-ટાણું(બપોરના ત્રણ આસપાસ) થયું ને પેટમાં સાઈકલના પેડલ ઘુસ્તા મારવા માંડ્યા. મોરબી 'આવું-આવું' થવાને હજી પાંત્રીસેક કિલોમીટરની વાર હતી ને પેટ કહે કે : 'અમારે તો પંજાબી ખાવું છે.' સાંજે ચાર વાગ્યે મોરબી-હાઈવે પર એક ઢાબાની તંદૂર ભઠ્ઠીએ અમારા બેય ભાઈઓ માટે ફરી રોટી શેકાણી. દાબીને ખાધું ને પછી હાલી નીકળ્યા. સાંજ નમવા આવી ને ટાઢા અગ્નિ જેવી ઠંડીએ પોત પ્રકાશ્યું. પણ સાઈકલના સતત ફરતાં રહેતા પેડલને કારણે લોહીમાં મુસાફરીનો ગરમાવો વરતાતો હતો. દકુભાઈને હતું કે મોરબીની સરહદે ક્યાંક રાતવાસો જડી જશે. રસ્તામાં એક આખાય વિશ્વમાં ફેલાયેલા ધરમ-પંથનું મોટ્ટી કોઈ ફાઈવ-સ્ટાર હૉટલ જેવું મંદિર આવ્યું. દૂરથી જોતા લાગતું હતું કે શાહજહાંએ બીજો એક તાજમહેલ મોરબીમાં ખડકી દીધો છે! અમે મનોમન હરખાતાં હતાં કે,'હાશ, સરસ ઠેકાણું છે. રાતની ચિંતા ટળી.' દરવાજે પહોંચીને 'હરિના દ્વાર' ખખડાવ્યા. દરવાને ડોકું કાઢીને કહ્યું : 'મેનેજરને મળો'. મેનેજર કહે : 'રૂમ તો કૉરોનાને કારણે બધીય ખાલી જ છે. પણ કૉરોના છે એટલે તમને રૂમ નહીં મળે.' થયું, લ્યા આ તો કૉરોના નસીબદાર! આપણી કિંમત તો કોડીનીય નહીં. હશે ચાલો. સાઈકલ તો ચલતી ભલી!!

        અંધારું હવે ઊતરી ગયું હતું. મોરબી પસાર કરતાં કરતાં તો શહેરના સિરામિક ઉદ્યોગોને કારણે રસ્તા પર ઊડતી પાઉડર જેવી ઝીણી ધૂળથી અમારાં બંનેના ચહેરા કોઈ ભારે-માઈલી કંપનીની સુંવાળી લાદી જેવા ચમકવા લાગ્યા હતાં. એકબીજા સામે હસીએ તો લાગે કે અમે ગુલાબી-ધોળો અળતો લગાડેલા કોઈ ભવાયા છીએ. મોરબી ગયું ને મચ્છુ પણ ટપ્યાં. ચડ્યા, માળિયાના મારગે. હવે? આ ટાઢમાં રાત ક્યાં રોકાશું!? આના કરતાં તો મોરબીમાં કોઈ હોટેલની રૂમ રાખી લીધી હોત તો સારું હતું એવા અફસોસની ધૂળ દાંતમાંથી ખોતરતાં-ખોતરતાં આગળ વધતાં હતાં. પણ 'વહેતી ગધેડી વીહ(વીસ) ગાઉં કાપે' એમ મનને મનાવીને પેડલ પર પેડલ માર્યે ગયાં. આખાય કચ્છનો ને કંડલા પૉર્ટનો ભારે-માંયલો ટ્રાફિક હવે શરૂ થઈ ગયો હતો. ચાર પૈડાંથી માંડીને છત્રીસ-છત્રીસ વ્હીલના દૈત્ય જેવા ખટારાઓ અમને બે નાનકૂડી સાઈકલવાળાને ભૂલી પડેલી કોઈ કીડીની જેમ રસ્તાની ધાર નીચે ઊતારી દેતાં હતાં. અંધારામાં હાઈવે પર આગળ વધતાં હતાં ને 'લા મિઝરેબલ' નવલકથાના પેલા ઠેકઠેકાણેથી ઠોકરો ખાનાર જિન વાલજિનને જેમણે સાવ છેવટનો આશરો આપ્યો હતો એ પાદરી જેવા એક સજ્જને અમારી સાઈકલો અટકાવી દીધી : 'એલા જુવાનિયાઓ, આ ટાઢમાં ને આવા ટરાફિક(ટ્રાફિક)માં ક્યાં હાલ્યા જાવ છો?' અમે અમારી બધી વાત માંડીને કહી તો કહે કે, 'રાતે આ આવાં મોટા રોડે સાઈકલું ન હલાવાય હો. જોખમ છે. તમારી સાઈકલું પાછી વાળો. આ દુનિયામાં મા'ણા હજી જીવે છે ભાઈ. તમતમારે રોકાવું હોય એટલા દંન મારે ન્યાં રોકાજોને.' એ સંતનું નામ ગોવિંદભાઈ. મોરબીમાં દીકરાઓને સિરામિકનું કારખાનું છે. પોતે ખેતી કરે છે. ગોવિંદભાઈને અમે કહ્યું : 'તમારા ઘરે તો નહીં. વહેલી સવારે તો અમે નીકળી જઈશું. પણ ક્યાંક બીજે, ગામની કોઈ નિશાળ કે પંચાયતનો એકાદો રૂમ ખોલાવી દો તો ત્યાં પડ્યા રહીએ.' ગોવિંદભાઈ તો અમને પોતાને ઘેર જ રાત રોકાણ કરાવવાના મૂડમાં હતાં. પણ છેવટે અમારી હઠને એમણે માનવી પડી ને કહે : 'ચાલો, ગામનું એક રામજી મંદિર છે. તમે એની ઓંસરીમાં રાત ઠેરાશો તો દેવને કાંઈ ખલેલ નંઈ પડે.' મોરબી વટીને લક્ષ્મીનગર ગામથી પાંચેક કિલોમીટર ચાલ્યા હતાં ને સાઈકલો અમે પાછી વાળી. એ રાત્રે અમને ટાઢથી બચવા ઠીકઠીક આશરો મળી ગયો. ગાદલા-ગોદડા બધું હતું પણ સંડાસ-બાથરૂમ ન મળે. મંદિરના પટમાં ઝાડવાને પાણી પાવા માટેનો એક નળ હતો પણ આવા ટાઢા પાણીએ ન્હાશું તો લોહીમાં બરફ જામી જશે એ વિચારીને મને ત્યાં જ લખલખું આવી ગયેલું. યજમાનને કેમ કહેવું કે હવે અમારે સવારે હાજતે ક્યાં જવાનું? અને ન્હાવાના ગરમ-પાણીનું શું? મનમાં થયું કે ખોટું માન ખાધું. ગોવિંદભાઈના ઘરે જતાં રહ્યાં હોત તો સુખ-સુવિધા ને સગવડ તો મળી જ જાત. એ રાત્રે અમારાં પ્રવાસના સમાચાર જાણીને દૂરના એક સગાંનો ફૉન-કૉલ પણ આવેલો કે તમે જ્યાં છો ત્યાંથી અમારું ગામ વાધરવા છેટું નથી. ખાલી બાવીસ કિલોમીટર છે. આવી જાઓ. પણ હવે રાત્રે સાઈકલ હંકારવી અમને ઠીક ના લાગી એટલે અમે જ કહી દીધું કે,'સવારે ન્હાવા-ધોવા આવીશું.' હવે આ વાધરવા એટલે તો હળવદ રોડ પર ફંટાઈને બીજા સાતેક કિલોમીટર કાપવાના. પણ અહીં ન્હાવાનું ઠેકાણું નહોતું તે વાધરવા જવું જ છે એમ નક્કી કરી લીધું. અને પછી તો મંદિરના ગર્ભગૃહમાં પથારી કરીને સૂતાં ત્યાં તો અરધી રાતે ટાઢા બરફના દરિયા પરથી દોડ્યા આવતા હોય એવા ચારે બાજુથી સૂરિયા-પવન ફૂંકાવાના શરૂ થઈ ગયાં. સૂસવતી ઠંડી મગજમાં ચડી ગઈ ને પગના ગોઠણ પેટમાં છેક ઊંડે સુધી ભરાવીને અમે ઘસઘસાટ ઊંઘી ગયાં. સવારે પાંચ વાગ્યે આરતી-ટાણે ગોંવિદભાઈ થર્મૉસમાં ચા લઈને આવી ગયાં હતાં. એક નહીં પણ ચાર-ચાર કપડિયું ચા પીને અમે ગોવિંદભાઈનો આભાર માની સાઈકલને આગળ હંકારી મૂકી. વાધરવા પહોંચતા-પહોંચતા હજી દોઢ-બે કલાક થશે. સાઈકલના પેડલ મારતાં મારતા વહેલી સવારના અંધારે આગળ વધતાં હતાં ને મારા પેટમાં ચયાપચયની ક્રિયાએ જોર પક્ડ્યું. વાધરવા ગામ આવવાને હજી પંદરેક કિલોમીટરની વાર હતી ને 'એ...રૂક જાઓ, ભાઈ રૂક જાઓ...જલ્દી જાઓ ભાઈ જલ્દી જાઓ-'નો નેચર-કૉલ આવવાનો શરૂ થઈ ગયો. રસ્તામાં આમ અધવચ્ચે મુક્તિ પામવાની 'સુલભ-સુવિધા' તો હવે ક્યાંથી જડે?! તે શિયાળાની રાતનું એ ટાઢું અંધારું ઓઢીને અમે મારગ કાંઠેના વગડામાં બિસલેરી બોટલમાં ભરેલા પાણીને ન્યાય આપ્યો. અને પછી દિવસનું અજવાળું પથરાયું ને અમે મુખ્ય રસ્તાથી સાતેક કિલોમીટર અંદર આવેલા વાધરવા પહોંચી ગયાં. આ વાધરવામાં દૂરના એક સગપણે માસીબાના ઘરે ગરમ પાણીએ ધરાઈને ન્હાયા, ભરપેટ શિરામણ કર્યું. થોડા ડાહ્યા-ડમરા થઈને માથાના વાળની મસ્ત-મજાની બાબરીઓ પાડીને ઘરના છોકરાં-છૈયાં રમાડ્યા. પાંચ-પચ્ચી ગ્રામ ડાહી-ડાહી વાતો કરીને જ્યાં અમે ઊભાં થતાં હતાં ત્યાં માસાસાહેબ મને કહે : 'દિગુભા, આ આટલી બધી સાઈકલ હલાવીને થોડો-ઝાઝો થાક તો લાગતો હશે નંઈ?! પણ રોજ હ઼વારે(સવારે) આમ જો; તમે પાવળું-પાવળું 'બાબુલીન' જો પી લોને તો તમારે ફટકે આવે કચ્છ.' મને કાંઈ સમજાયું નહીં તે મેં વળી બાઘાની જેમ માસાસાહેબ સામે ફૂસ-ફૂસ કરીને દાંત કાઢ્યા. મને આમ સાવ ખોટ્ટો હસતો જોઈને મારા નાના ભાઈએ મારા કાનમાં હળવો ચોખ પાડ્યો : 'હવે માસ્તર, એ દારુના પેગને 'બાબુલીન'નું નામ આપે છે. ઊઠો હવે ને જલ્દી હાલો આપણે; આંયા જો બાબુલીન લેશું તો આ સૉફામાં બેઠાં ન્યાં-જ ખાલી-ખાલી પેડલ માર્યા કરશું ને ક્યાંય પોગશું નહીં એ લટકામાં.' ને પછી તો 'ભાગે ઈ ભડ'. વાધરવા ગામની બજારુમાં સહુ ડાયરાને જય-માતાજી કરતાં-કરતાં અમે અમારી સાઈકલું હંકારી મૂકી.


        મોરબી જિલ્લાની હદ વટીને આવ્યું કચ્છનું પ્રવેશદ્વાર - સૂરજબારીનો પુલ. ૨૦૦૧ના માણસ-ખાઉ ધરતીકંપે આ પુલને વીંખી-પીંખી નાખેલો ત્યારે કચ્છને મળવી જોઈતી મદદ સૂરજબારીનો પુલ તુટવાને કારણે ઘણાં દિવસ મોડી મળી હતી એવું એ વખતે ખૂબ સાંભળેલું. વળી સૂરજબારીના આ પુલ સાથે જોડાયેલો ને બાળપણે સાંભળેલો એક કિસ્સો મારામાં આજે પણ રોમાંચ ભરી દે છે. મારા નાનીમાનું પિયર કચ્છનું નલિયા. નાનીમા અમને નાનપણમાં ઘણી વખત કહેતા કે 'મારા લગન થયા એ પછી હું પહેલી વાર છેક આઠ વરસે મારા પિરમાં(નલિયા) ગયેલી.' અમે પૂછતાં : 'ઓહો આઠ વરસે?!! કેમ?' નાનીમાનો એક જ જવાબ હોય : 'એ વખતે આ દરિયાની ખાડીમાં અટાણે છે ઈ સૂરજબારીનો પુલ ક્યાં હતો!? નલિયા જાવું હોય તો આખા તણ(ત્રણ) 'દિ ને બે રાત થતાં. પેલા તો નવલખી બંદરે જવાનું ને ન્યાંથી હોડકામાં બેહીને કંડલા બંદર ઊતરવાનું. કંડલાથી વળી નલિયાના ગાડા-ગાડી લેવા આવે તંયે છેક નલિયાનું પાદર દેખાય. આ એક વખત તો હોડકું ક્યાંક ભેખડે ભરાણું'તું તે હોડકામાં પાણી ભરાણું કાંઈ પાણી ભરાણું!! ડૂબતા માંડ બચેલા ને એમ પિરમાં પોગેલા. આ સાંભળીને મને બાળપણમાં થતો પ્રશ્ન આજે પણ થાય છે કે કોઈ દીકરી આઠ-આઠ વરસ જેટલાં લાંબા સમય સુધી પોતાના પિયરમાં ગયા વિના આખરે કઈ રીતે રહી શકી હશે? નાનીમામાં આ ધરપત ક્યાંથી આવી હશે!?-એ જવાબ જડવો તો મુશ્કેલ છે. આખાય હિંદુસ્તાનમાં પરણેલી કચ્છની કંઈ-કેટલીય દીકરીઓને પિયરના પાદર હવે ઢૂંકડા કરી દીધાં છે એવાં એ સૂરજબારીના પુલને 'ઘણી ખમ્મા' કહીને અમે આગળ વધ્યાં. પુલ પર ટ્રાફિક હદને પાર હતો. ખટારાઓની લાંબી-લાંબી લંગાર અમને સાઈકલવાળાઓને પુલની રેલિંગ સાથે ભીંસી દેતી હતી. ધ્યાન ન રાખો તો સ્ત્રીઓ પાટલી ઉપર વેલણથી પુરીઓ વણે છે એ રીતે આ ખટારા અમારા ફૉદાં કાઢી નાખે એમ અમને ભીડીને ચાલતા હતાં. ભારે વાહનોને કારણે પુલ આખોય ઝૂલે, થરથરે ને બીક તો એવી લાગે કે હમણાં આ પુલ ખાડીમાં ખાબકવાનો. સામે પાર નીકળવું ઘણું કઠિન હતું ને દકુભાઈએ બુદ્ધિની બત્તી પ્રગટાવી. તરત જ એમણે બંને સાઈકલની પાછળ મંદિરોના માથે ફરકતી હોય છે એવી ઘરેથી લાવેલી, કિનારે સોનેરી તૂઈ મૂકેલી લાલ ધજાઓ ફરકાવી દીધી. સાઈકલ પર આવી ફરકતી ધજાઓ જોઈને હવે ખટારાવાળા અમને રસ્તો કરી દેતાં હતાં. પાછળથી આવે તો પણ પહેલા અમને ચાલવા મળે એવો જાદુ આ 'ધરમ-ધજા'એ કર્યો. કામ થઈ ગયું ને અમે દરિયા પર બાંધેલો સૂરજબારીનો પુલ સુખરૂપ પસાર કરી ગયાં. મનમાં થયું કે આ દેશમાં 'ધરમ-ધજા' વિના સહેલા રસ્તા પસાર કરવા પણ આટલાં અઘરાં થઈ પડતાં હશે?! જે હો તે, પણ અમેય ચતુરાઈ વાપરી ને ધજાઓને એમ જ સાઈકલ પર ફરકતી રાખી તે નાના સસલાં જેવી અમારી આ સાઈકલો હવે ભડભાદર સિંહ થઈને હાઈવે પર સરકવા લાગી હતી. પછી તો ઝટ્ટ આવ્યું સામખિયાળી. સામખિયાળીમાં મામાનો દીકરોભાઈ શક્તિસિંહ આડો ફર્યો. કહે કે, 'નહીં જાવા દઉં. આજ તો રાત-રોકાણ આંયા જ કરો'. શક્તિને માંડ મનાવ્યો ને એના ચા-પાણી પીને ભચાઉની પીળી ધમરખ દિશાએ અમે આગળ વધી ગયા.


        ભચાઉમાં છેક અંધારું ઊતર્યે અમે પહોંચ્યાં પણ એ પહેલા તો ભચાઉથી થોડે આગળ સાંજના સમયે મને એક જીવતી જાગતી વાર્તા ભેટી ગઈ. વૉંઢ(ગામનું નામ છે) આવવામાં હતું ને મારા નાનાભાઈ તો મારાથી ઘણે આગળ પાંચેક કિલોમીટર દૂર નીકળી ગયેલા. કેસરી સાંજ હવે કાળીભમ્મર થવા માંડી હતી. નહીં અજવાળું કે નહીં અંધારું એવો બે-રંગી છાંયવાળો ટાઢોબોળ સમય હતો. મારી ગિયરવિનાની સાઈકલના પેડલ હું એકધારી ગતિએ માર્યે જતો હતો. ઘરની બારીએ જેમ પડદો પવનમાં લ્હેરાયા કરે એમ ઝૂલતો-લ્હેરાતો મૂંડી નીચી ઘાલીને હું આગળ વધતો હતો ને સાવ ઓંચિતો એક નમણો-ગોરો હાથ મારી સાઈકલના હેન્ડલ પર ઓંચિતો પડ્યો. મારી સાઈકલની ગતિ ચાલતા માણસથી બહુ વધારે નહોતી એટલે એ હાથે મારી સાઈકલનું હેન્ડલ જકડીને પકડી લીધું હતું. હેબતાઈને હું ઊભો રહી ગયો. આમ અચાનક આ શું થયું!? કોણ છે આ હાથવાળું માણસ?-એ વિચાર કરવાનું પણ મગજને યાદ ન ચડ્યું. સાચ્ચે કહું છું કે બે ઘડી તો ફે ફાટી ગ્યેલી. લાંબા-લાંબા આંગળા, લાલ નેઈલ પૉલીશ કરેલા નખ, હાથોમાં લીલા-લાલ કાચની રણકતી બંગડીઓ પહેરેલ એ હાથને જોઈને જ ખબર પડી ગઈ કે છે તો કોઈ સ્ત્રી. હું આગળ કંઈ વિચારું-બોલું એ પહેલા તો એણે મારો હાથ કાંડેથી પકડીને સીધો જ એની ઉપસેલી છાતીએ મૂકી દીધો. ચહેરા સામે જોયું તો લાગ્યું કે પાંત્રીસેક વરસથી વધુની એની ઉંમર નથી. લાલચટ્ટક લિપસ્ટિક ને ચહેરા પર મેકઅપના ગુલાબી ફાઉન્ડેશનનો ભપકો એવો હતો કે એ ચહેરાને જોઈને કોઈ પણ પુરુષમાં ટેસ્ટેસ્ટેરૉનના અળસિયા સળવળી ઊઠે. પોતાની છાતીએ એણે મૂકેલો મારો હાથ છોડાવવા મેં થોડી ખેંચતાણ કરી ત્યાં તો એ જ સામેથી બોલી : 'ઑય રાજ્જા, આમ ગભરાઈ મ-જા(ન જા). ચાલ આવ્વું'છ?' સમજવું અઘરું નહોતું કે એ મને શેનું ઈજન આપી રહી છે. કોઈ સ્ત્રી હાઈવે પર સાવ આ પ્રકારે વ્યવહાર શા માટે કરે એ પણ મારે સમજવામાં ઝાઝી વાર ન લાગી. પણ મને 'રાજ્જા' કહેનારી એ 'રાણી'(સ્ત્રી) તો નહોતી જ એની ખાતરી મને બહુ જલદી થઈ ગઈ. એની છાતી પર રહેલો મારો હાથ સ્હેજ સરક્યો ત્યારે જ મને ભાન થયું કે આ સુંદર દેખાતી છાતીએ તો ગાભાના બનાવટી ઉભાર રચવામાં આવ્યા છે. તરત જ પારખી ગયો કે દેખાવે જે સ્ત્રી છે તે સ્ત્રી નહીં પણ લગભગ તો પુરુષ છે. મને ઘડીભર બીક લાગી કે નક્કી આણે મને લૂંટવાના ઈરાદાથી રોકેલો છે. ઘણે આગળ નીકળી ગયેલા મારા નાનાભાઈને ફોન કરવા મેં મોબાઈલ તરફ હાથ લીધો ને એણે કહ્યું : 'ભાઈ ગભરાઈ મ'-જા. મફતની કે લૂંટની એક કોરી(પૈસો)એ હુંને ના ખપે. આવ્વું હોય તો ઝટ્ટ કહે એટલે કામ થાય પૂરું.' મને આ સાંભળીને સ્હેજ ચીથરી ચડવા જેવું થયું ને ગુસ્સો પણ આવ્યો તે મારાથી બોલાઈ ગયું : 'હવે તમને તે વળી કયા ભાયડા ભેટવા આવે? આમ છાતીએ ગાભા ભરાવીને આદમીઉંને ભોળવો છો તે શરમ નથી આવતી? છોડો. હું તો માતાના મઢ સાઈકલ લઈને નીકળ્યો છું.' માતાના મઢનું નામ સાંભળીને એ નારીવેશી કઠણ-દેહ કંઈક કૂણો પડ્યો. ચોઘડિયું શુંયે ફર્યુંને એણે માંડીને ધીમે-ધીમે બધી વાત કરી. મા-બાપે દીધેલું મૂળ નામ તો મોહન. ભચાઉ પાસેના એક ગામમાં પરિવાર હતો ત્યારે આખોય પરિવાર હતો. ઇશ્વરે એને નહીં નરમાં કે નહીં નારીમાં એમ અધવચ્ચે જનમ આપ્યો હતો. પંદરેક વરસનો હતો ને એક 'દિએ એ ઢોરાં લઈને સવારે ચરિયાણે ગયેલો. પાછળ ભૂકંપે ધરતી ધણેણી તે એવી ધણેણી કે મા-બાપ ને આખુંય કુટુંબ જમીનમાં ગારદ થઈ ગયું. એક તો જનમ આપનારા ઉપરવાળાએ આવો આમ અધવચ્ચનો દેહ દીધો ને ઉપરથી ધરતી મા-બાપ ને ભાઈ-ભાંડરડાને જીવતા ગળી ગઈ. દુનિયા 'હીજડો' કહીને પહેલાયે બોલાવતી ને બાકી રહ્યું તે ભૂકંપે જીવવાનું બધું લૂંટી લીધું. લગભગ પાંચેક વરસ ભૂખ્યા-તરસ્યા પાગલની જેમ ભટકવામાં કાઢ્યાં. ભૂકંપ પછીની સરકારી મદદો તો ઘણી મળી. પણ એની 'હીજડા' તરીકેની ઓળખ ભૂકંપ જેવો ભૂકંપ પણ ભૂંસી ના શક્યો. શરૂમાં ભીખ માંગી પણ કોઈ પાસે માંગીમાંગીને આમ પેટ ભરવામાં એને ખૂબ શરમ આવતી. ઉપરથી એનું હીજડાપણું એને કોઈ ઢંગનું કામ પણ નહોતું અપાવતું. છ-આઠ મહિનામાં તો લોકો ઓળખી જતાં કે મોહનને 'મોહના' કહીએ તો કાંઈ ખોટું નથી. એક વખત તો રેલ્વે ટ્રેક પર આપઘાત કરવાના વિચારે લાંબો થઈને સૂઈ ગયેલો પણ મરવાની બીક લાગી ને ભાગી નીકળ્યો. ભાગતો-ભાગતો હાઈવે પર આવ્યોને એક ખટારાવાળાએ હાથ પકડીને કેબિનમાં અંદર લીધો તે એવો લીધો કે આ પછી કંઈ-કેટલાંય ખટારાવાળા મોહનાના આશિક થઈ ગયાં છે. રોજ અંધારું ઊતરે ને દિવસનો મોહન રાત પડે મોહના બની જાય છે. કહેતો હતો કે શરૂમાં આ કામ ગમતું નહોતું પણ હવે કોઠે પડી ગયું છે. ઘરથી દૂર નીકળેલા કેટલાંક નાડીછૂટ ખટારાવાળા વેશ્યાઓની જફામાં પડવા કરતાં આવા આનંદમાં સલામતી સમજે છે ને એમ મોહના જીવે છે. તમને કોઈને વિશ્વાસ નહીં આવે પણ આ મોહન કે મોહનાએ એ ચાલીસેક મિનીટના સંવાદમાં મારી પાસે પોતાનું આખ્ખું દિલ ખોલીને રાખી દીધું હતું. એ વખતે મને શુંય કમતિ સૂઝી તે એક બસો રૂપિયાની નોટ કાઢીને મેં એની સામે ધરી. તરત જ મારા હાથને ધક્કો મારીને કહે : 'અરે ગાંડા, ભીખ ના ખપે ભાઈ. કચ્છી છું. અમે ભૂખે મરીંઈં પણ કેની-કને(કોઈ પાસે) હાથ લાંબો નેં કરીંઈં. અન્ તમારાં મલક આખાની મદદુંય ના ખપે. આમ ઓશિયાળા થઈને 'હીજડાં' બનીને મરતાં-મરતાં જીવવા કરતાં ખારબળિયા થઈને ભગવાનનને કહી દેવાનું કે, - 'જા તારાથી થાય એ કરી લે.' મોહનની આ વાતો સાંભળીને મારી છાતીના પાટિયામાં ભીંસ વધી ગઈ હતી. આંખે અંધારા આવી ગયા. સમજાતું નહોતું કે હું હવે શું બોલું? થોડી વાર થઈને એક ટ્રક મારી સાઈકલથી બસ્સો મીટર દૂર આવીને ઊભો રહ્યો ને મોહન મારા ડૂમો લઈ ગયેલા શરીરના વાંસા પર હાથ પસરવારતો એ ખટારામાં ટિંગાઈને ચડી ગયો. હું જોઈ શકતો હતો કે એની કાયાના કારાગારમાં એનો માંહ્યલો રૂંધાઈને પડ્યો છે. હવે એ મરશે નહીં ત્યાં સુધી આમ જ...??

        

પછી તો વૉંઢથી માંડ આવ્યું ભચાઉ. મોહનની કથા સાંભળીને સાઈકલના પેડલ જાણે ભારે થઈ ગયા હતાં. એ બાજુ અંધારું કાળું ને ઘાટું થયું ને આ બાજુ અમે ભચાઉના બસ સ્ટેશન પાસે આવેલા એક ગેસ્ટ-હાઉસમાં રાત-ઠેકાણું શોધ્યું. ખબર નહોતી પડતી કે થાક લાગ્યો છે કે પછી અકસ્માત્ ભટકાઈ પડેલા પેલા મોહનની જીવનકથાએ મને સાવ સૂધબૂધ વિનાનો કરી દીધો છે?! ગેસ્ટ-હાઉસની એક 'કહેવાતી સારી રૂમ' અમારે નામ કરી, ન્હાઈ-ધોઈને ભચાઉની બજારોમાં અમે બંને ભાઈઓ ખોરાક શોધવા નીકળી પડ્યા. હજી તો રાતના નવ,સાડા-નવ વાગ્યા હતાં ને ગામની બજારના રસ્તાઓ પર સાવ સૂનકાર ફરી વળ્યો હતો. એકલ-દોકલ કરિયાણાવાળા ને આમલેટની લારીવાળાને ત્યાં 'ઉજાલા બલ્બ'ના ગળી ખાઈ ગયેલા સફેદ આછાં અજવાળાં બળતા હતાં. બાકી ભચાઉની એ રાત આપણી આજની રાતોની તુલનાએ ઘણી પાછળ ને પછાત હતી. છેક છેલ્લે એક દુકાને પાટિયું ભાળ્યું : 'બોસનો અડ્ડો'. પીળા પાટિયામાં વળી ભૂખરાં ઝીણાં અક્ષરે લખ્યું હતું : 'ચાઈનીઝ મંચૂરિયંગ ડિસીજ ને સાઉથ ઇન્ડિયન ઈડલી-ડોસા મલશે'. ભૂખ એવી લાગી હતી કે 'ઢોસા'ના નામે 'ડોસા કે ઠોસા' ખાવા મળે તો'ય હું તો રાજી હતો. ગિરનારી ગુફા જેવી એ ઊંડી દુકાનમાં અમે જેવા દાખલ થયાં કે દુકાનના એ 'ફેમિલી' ખૂણામાં એક નવયુવાન જોડું 'ગૂટર-ગુ' કરતું બેઠું હતું. કબૂતર પોતાની કબૂતરીના મોંઢામાં ચમચીથી ચાઈનીઝ ડ્રાય મંચુરિયનના ગોળા ખવરાવી-ખવરાવીને આખુંય ચીન પોતાની પ્રિયતમાને નામ કરી નાખતો હોય એમ હરખાતો હતો ને પેલી પંખિણી પણ 'ઘૂઘૂ-ઘૂ, ઘૂઘૂ-ઘૂ' કરતી તીખાં સિસકારાં લેતી હતી. પારેવાંના ટોળામાં કાળા કાગડા ખાબકે એમ અમને એકદમથી આવી ચડેલા જોઈને એ બંને ભારે શરમાયા. દકુભાઈ મને કહે : 'એલા ભાઈ, હાલો આપણે બારા બેસીએ. આંયા આ પેમલા-પેમલીને મથી લેવા દો. બચારા માંડ જુવાન થ્યા'સ.' અને પછી તો અમે એ દુકાનના ઓટલે બેસીને કચ્છી ટેસ્ટના ઢોસા ઝાપટ્યાં. જમીને ગેસ્ટ-હાઉસની રૂમ પર આવ્યાં ત્યારે જ કચ્છની ઠંડી કઈ બલા છે એનો અમને અંદાજ આવી ગયો હતો. સવાર પડે ને દિવસ ઊગે એ પહેલા અમારે ભચાઉ છોડી દેવું જરૂરી હતું. નહીં તો ફેરમાં પડતાં દાદા મેક(ર)ણના થાનકે જવાશે નહીં ને જાશું તો બીજા દિવસે અરધી રાતેય ભૂજનું પાદર ઢૂંકડું આવશે નહીં એ બીક હતી. દકુભાઈએ એ રાતે જ મને કહી રાખેલું : 'ભાઈ, ગમે ઈ થાય. ભૂજ સાંજે ભલે ન પોગીએ ને કાલની રાત ભલે હાઈવે પર સૂઈ જવું પડે. પણ ધ્રંગનો ધૂણો દેખ્યા વિના હવે માતાના મઢ નથી જાવું. વહેલા સૂઈ જાઓ તો સવારે સાડા ચારે નીકળી જવાય.'

        પણ પછી તો ભચાઉમાં સૂતા તે એવા સૂતા કે અમારી સવાર સવારે સાડાચારે નહીં ને છેક છ વાગ્યે માંડ પડી. દસ-પંદર મીનિટમાં તો 'ન્હાઈ-ધોઈ-જાઈ લીધું' ને સાઈકલો પર ઝટપટ ખાનાબદોશની જેમ સામાન ખડક્યો ને ધરમ-ધજા ફરકાવતાં અમે વળી પાછાં હાલી નીકળ્યા. બસ-સ્ટેન્ડ પાસે જ એક ચાની લારીવાળો ગેસના ચૂલા પર તપેલી-કીટલી સાથે સાણસી ખટખટાવતો ઊભો હતો. દકુભાઈ કહે કે : 'ચા-નાસ્તો કરવો હોય તે આંયા જ કરી લો. હવે હાઈવે પર બહુ હૉટેલું નહીં આવે.' તે એને ત્યાં પીધી ચા ને ખાધા બિસ્કીટ. હવે આ આટલી વહેલી સવારે ચા તો બરાબર પણ પારલે ને મૉનેકોના પડિકાં ખાવા કેમ કરીને!? પણ ઉપરથી બીક હતી કે ભૂજ સુધી હવે ખાવાનું જડશે નહીં ને ભૂજ તો આવશે છે..ક રાતે દસ વાગ્યા પછી એટલે મનની ભૂખ ઠારવાય પેટમાં ચાર બિસ્કીટ ને બે કપ ચા ઠાલવ્યાં. ને પછી તો ડિસેમ્બરની એ વહેલી સવારનું અંધારું ચીરતા અમે અમારી સાઈકલોને આગળ હંકારી મૂકી. કચ્છની ઘેરી એકલતા હવે એના વાતાવરણમાં પણ વરતાવી શરૂ થઈ ગઈ હતી. જાણે આ મુલક જગત આખાથી પોતાનો જૂદો ચૉકો ચાતરીને પડ્યો છે એવું લાગે. રસ્તામાં પૂરપાટ પસાર થઈ જતાં ખટારાં ને એકલ-દોકલ માલધારી સિવાય ખાસ કોઈ દેખાય નહીં. મારગ કાંઠેની જમીન પણ એકલી એકલી કોઈને ઝૂરતી હોય એવું લાગે. કોઈ ગામ ઝટ દઈને આવે નહીં ને આવે તો'ય એનો સમય બધો ખરી પડ્યો હોય એવું એકલ-દોકલ ને અવાવરું ઊભું હોય એમ લાગ્યા કરે. કચ્છ મને આ કારણે પણ ગમે - એને એની એકલતા જીરવતાં ને સાચવતાં આવડે છે. લગભગ ત્રણેક કલાક સુધી મેં સાઈકલ ચલાવી હશે ને મારા પેટની ભૂખ અંતે મન સુધી પહોંચી ગઈ. મારા નાનાભાઈ તો પોતાની સાઈકલ આગળ ને આગળ હંકાર્યે રાખતા હતાં ને મારી ગિયર વિનાની રામપ્યારી કચ્છના એ એકાંત સાથે વાતો કરતી ધીમી ગતિએ આગળ વધતી હતી. અંતે મારા પેટે ખખડીને ધા નાખી કે 'ભૂંડીભખ્ખ ભૂખ લાગી છે'. રણ વચાળે ભૂલો પડેલો મુસાફર જેમ ખોરાક-પાણીને ઝૂર્યા કરે એમ હુંય ભાખરીના બેક બટકા ટટકાવવા ટળવળતો હતો. હાઈવે પરથી ધ્રંગના મારગે અંદર ઊતરી જશું તો-તો પછી કંઈ નહીં જડે એ વિચારે તો સાઈકલના પેડલ સાવ ધીમા પડી ગયા હતાં. અંતે ડૂબતાંને તરણું હાથ લાગે એમ મારગના જમણા કાંઠે એક નાની હોટેલ દેખાણી. એના પાટિયે લખ્યું હતું : 'ગરમાગરમ આલુ-પરોઠાં મલશે.' હું એ વાંચીને સીધો જ કાઉન્ટર પર બેઠેલા એક પડછંદ આદમી પાસે પહોંચી ગયો ને હાંફતા-હાંફતા જ પૂછી લીધું : 'આલુ-પરોઠાં સિવાય બીજું શું મળશે?'

        -'તમે માગો તે મલશે ભાઈ. પણ મારા યુનુસના હાથનો એક આલુ પરોઠો ખાઓ ને ન ભાવે તો પછી તમે કે'શો એ બનાવી આપશું.' કાઉન્ટર પર બેઠેલો પાંચ હાથ પૂરો એ માણસ નામે રફીક આ હૉટેલનો માલિક હતો એ મેં પછીથી નાસ્તા દરમિયાન જાણ્યું હતું.. રફીકે ઘાંટો પાડ્યો : 'યુનુસ...તણ(ત્રણ) આલુપરોઠાં ગરમાગરમ...ફડાકો રખ્ખ, બંદગી કર. ખલકનો ખુદા હાદર(હાજર) સે.' હૉટલના માલિકનો આ પડઘો પડ્યો ને મારી અંદરથી કશુંક સડસડાટ પસાર થઈ ગયું હોય એવું લાગ્યું. મારી હાજરીને એના ખુદાની હાજરી તોલે ગણાવીને આ માણસ શું સાબિત કરવા માંગતો હશે તે મને આજ સુધી સમજાયું નથી. મેં એને તરત કહ્યું : 'ભાઈ મારે એક જ આલુ પરોઠો ખાવો છે. ત્રણ નહીં'. મારી વાત સાંભળીને એ કહે : 'સાહેબ, પેટ માંગે એટલું ખાજો. પણ તમે જો થોડાંકેય અંયથી ભૂખ્યાં જાશો તો ઉપરવાળો અલ્લાહ મુંથી રૂઠશે. તમતારે ખાવું હોય એટલું ખાઓ.' રફીક જે બોલતો હતો એ મને ખાસ સમજાતું નહોતું પણ એનો એ ભાવ મારી ભૂખ ભાંગવાનો હતો એટલી તો મને ખબર પડતી હતી. એ સવારે એક નહીં પણ પૂરાં ત્રણ-ત્રણ આલુ પરોઠાં મેં ધરાઈને ખાધાં ને બે આલુ પરોઠા મારા નાનાભાઈ માટે પાર્સલ કરાવ્યાં. જમતાં જમતાં રફીક સાથે થોડી વાતો કરી. એકબીજાના નામ-ઠામ ને ઠેકાણાં દીધાં-લીધાં ને નીકળતી વખતે કાઉન્ટર પર એને ચા-નાસ્તાના પૈસા ધર્યાં તો કહે : 'સાહેબ, તમે અમારાં કચ્છની દેશદેવીની જાતરાએ નીકળ્યા છો. તમારી કનેથી પૈસો લઉં તો મારો અલ્લાહ મને ના-પાક કહે.' રફીકને પૈસા લેવાની મેં બહુ વિનંતી કરી તો કહે કે, 'તમારે પૈસા દેવા જ હોય તો કોઈ ભૂખ્યાં માણસને ત્રણ રોટલા ખવરાવી દેજો બસ? હવે ઝટ્ટ જાઓ. તમને મોડું થાશે ને પાછો તમારો નનકો ભાઈ ભૂખ્યો થ્યો હશે'. સાવ સાચ્ચું કહું છું. એ વખતે મારા પાકીટમાં રહેલા પૈસાની કિંમત કોડીનીયે નહોતી. બિનસાંપ્રદાયિકતા એટલે શું તે મને છેક આટલા વરસે સમજાઈ રહ્યું હતું. રફીક ને એના અન્નને 'દુઆ' દેતો'કને હું આગળ વધી ગયો.

        મારી સાઈકલના પૈડાં હવે રફીકના આલુ-પરોઠાં ખાઈને સરસરાટ ગતિએ આગળ વધવા લાગ્યા હતાં. રક્તમાં 'ફડાકો રખ્ખ, બંદગી કર, ખલકનો ખુદા હાજર સે'ના પડઘા ગાજતા હતાં ને દૂધઈથી થોડે આગળ હાઈવેથી સ્હેજ નીચે એક પીળી ધૂળવાળા ખેતરમાં બે કચ્છી ભૂંગા સારસ બેલડીની જેમ પડખોપડખ ઊભેલા ભાળ્યાં. એને દેખતા જ મારી સાઈકલ ઊતરી ગઈ ડામર રસ્તાની ધાર નીચે. ભૂંગાની બહાર કચ્છી હેન્ડીક્રાફટની વસ્તુઓ : શાલ, ધાબળી-ધાબળાં ને ઓઢણાં ટિંગાતા હતાં. મનમાં થયું કે કંઈક દુર્લભ પહેરણ, શાલ કે મોજડી જો જડી જાય તો કચ્છની કંઈક યાદી રહે. એ ભૂંગાના ત્રણ પગથિયા ચડીને અંદર પહોંચ્યો તો કચ્છની કંઈક કલા-કારીગરીના અનેકાનેક રંગોએ મારી આંખોને રંગ ચાટતી કરી દીધી. કુદરતે કચ્છની ધરતીને આમ જુઓ તો આછાં પીળા ને ક્યાંક-ક્યાંક સેપિયા રંગના લસરકાં(બ્રશ-સ્ટ્રૉક્સ) આપ્યાં હોય એમ લાગે. પણ કચ્છી માડુઓની રૂપપ્રદ કલાઓના રંગો વળી ખૂબ ભડકીલાં છે. અહીંની આદિજાતિના પહેરવેશમાં મેલખાયા સફેદની સાથે-સાથે નીચોવી નંખાય એવા ગુલાબી ને લાલ, ઝાડના પાંદ જેવા ઘાટા લીલા ને ઘાટા ભૂરા, તીખા પીળા ને મદીલા જાંબલી રંગની છૉળ એની પરાકાષ્ઠાએ વપરાયા છે. આ રંગોમાં હું એવો તો અટવાયો હતો કે એક સ્ત્રી મારી પાછળ આવીને ક્યારે ઊભી રહી ગઈ એની સરત પણ મને ના રહી. એણે મને આ ભડકીલા રંગલોકમાંથી બહાર કાઢવા પૂછ્યું : 'કિં ખપે ભાઈ?' પાછળ ફરીને જોયું તો નમણી નાર એના અસ્સલ રૂઆબમાં પોતાના રૂપની બધીય જાહોજલાલી સાચવીને ઊભી હતી. મેં કહ્યું : 'ઓઢણાં બતાવો. પત્નીને ક્યારેય પહેરવાનું નહીં ને બસ સાચવવાનું જ મન થાય એવા ઓઢણી-ઓઢણાં કે બંધેજ બતાવજો હો પણ.' મારી આવી હળવી મજાક સાંભળીને એ સ્ત્રીએ મોટેથી સાદ દીધો : 'અધા, હેકડો ગેરાક આયો આય. ઇનકે પાંજા અસલ ઓઢણાં વતાઇજા. ભલે વેકાંધિ ન ગીને ત પણ પાંજી અસલજ ભાતજા ઓઢણાં વતાઈજા જ.[બાપા એક ઘરાક આવ્યા સે. એને આપણાં અસ્સલના ઓઢણાં બતાવજો. ભલે ખરીદી ના કરે પણ આપણી અસ્સલની ભાત(ડિઝાઈન)ના ઓઢણા દેખાડજો જ.] એ સ્ત્રીએ મને બાજુના ભૂંગા તરફ હાથ લાંબો કરીને પોતાના બાપની ઉંમરનો એક આદમી ચીંધ્યો. હું ઊતરીને સીધો જ એ પુરુષ પાસે પહોંચી ગયો ને કહ્યું : 'બાપા, તમારા કચ્છના અસ્સલ ઓઢણાં બતાડો. હું છેક ભાવનગરથી સાઈકલ લઈને નીકળ્યો છું. વચ્ચમાં તમારા આ ભૂંગા જોયા તે થયું કે મારા છોકરાવની મા હ઼ાટું કચ્છનું કાંક લેતો જાવ.' એ આદમીએ આંખોમાં સુરમો આંજેલો. માથાના વાળ મહેંદી મૂકેલા લાલ રંગના ચમકવાળા. કચ્છી સંધીઓ પહેરે છે એવો પઠાણી લાગતો પહેરવેશ, પગમાં આગળથી નાક વળી ગયેલી ચામડાની તેલ પાયેલી કાળી મોજડી ને ખભ્ભા પર પાછળની બાજુ ત્રિકોણાકારે જાંબલી રંગનો મોટો ચોકડિયાળો ધમાલપટો રૂમાલ બાંધેલો. મને પહેલા એક તો દીકરીએ મોહેલો ને હવે એનો આ સુંદર બાપ મને આકર્ષવા ઊભો હતો. કુદરતે બાપ-દીકરીના બીબાં એવાં ઢાળેલા છે કે જોતા ધરાઓ નહીં. થોડી વારે દીકરી આવી ને મને એક કળશો પાણી પાઈ ગઈ. ભૂંગામાં ઢાળેલી માંચીએ હું બેઠો ને એ પુરુષે એક પછી એક કચ્છી કપડાંઓના ઢગલા કરવા માંડ્યા. એણે જે બતાવ્યું એ બધું હું એ પહેલા પણ જોઈ-ખરીદી ચૂક્યો છું એટલે મેં કહ્યું : 'બાપા આવું બધું તો હવે અમારે સોરઠમાંય મળે છે. તમારું પોતાનું અસ્સલ કંઈક હોય તો દેખાડોને.' મારા આવા જવાબથી એ પુરુષે લોખંડની એક લીલી ટ્રંક(પેટી)માંથી એક ઓઢણી કાઢીને મારા તરફ લાંબી કરી. જાણે મખમલ સરીખી કચ્છની મુલાયમ સાંજ પાથરતો હોય! ઓઢણીનો રંગ હળદરિયો પીળો. પણ અંદરની ભાતમાં ન ફૂલોના વેલબુટ્ટા કે ન પંખીઓના રેખાકંનો. ઓઢણાને ધારીને જોયું તો ખબર પડી કે એના પર જાણે કોઈનો પ્રેમપત્ર છાપેલો છે. બીજી બધી ઓઢણી ને બાંધણીઓ કરતાં આના રંગરૂપ ને ભાત સાવ નોખા હતાં. વળી જોતાં લાગે કે એની ભાતમાં જાણે પૉસ્ટ-મૉર્ડનિઝમની ચિત્રકળામાં હોય છે એવી ઝીણી છીંટના બીબાં છાપેલા છે. ઓઢણીની ચારેય કૉર પર વળી કોઈના હસ્તાક્ષર. આવી આ સાવ નોખા પ્રકારની ઓઢણી જોઈને આશ્ચર્યવત્ મેં પૂછ્યું : 'આનો શું ભાવ બાપા?' મારો સવાલ સાંભળીને એ સુંદર પુરુષ બોલ્યો : 'આખાય કચ્છની કિંમત કરો તો'ય આના મૂલ ના ચૂકવી શકો ભાઈ. એ વેચવા માટે નથી. આ તો તમે એમ કહેતા હતાં ને કે તમારું કંઈક 'અસ્સલ' હોય તો દેખાડો. તે આ લ્યો, આ અમારું અસ્સલ. આ એક ઓઢણાની ભાતે તો ખાલી કચ્છની નહીં પણ આખાય હિન્દુસ્તાની લાજ રાખી છે બાપા. અસ્સલ ઓઢણાની કિંમત ન કરાય. અને મલક આખાની આબરુ હેમખેમ રાખે એને જ તો ઓઢણું કહેવાયને, બાકી બધાં તો ગાભા.' એણે બતાવેલી ઓઢણીને મારા હાથોમાં લેતા જ હું એકદમથી પૂછી બેઠો : 'અરે વાહ, આમાં તો કંઈક નોખી ભાત જ છાપેલી છેને શું? આ છીંટ બાંધણીની તો નથી લાગતી. આને શું કહેવાય ભાઈ?'

        "એનું નામ 'પાન-દ-જેઠી'. જેઠીબાઈની ઓઢણી. અસલ ઓઢણી તો દરિયાપાર પૉર્ટુગલના લિસ્બનના મ્યુઝિયમમાં સચવાઈને પડી છે. આ તમે દેખો છો એ તો એ અસ્સલ ઓઢણાના છીંટની નકલ. પણ આ નકલેય ખાલી અમારી કને છે ભાઈ. તમારા હાથમાં રઈ એ ઓઢણી મારા પરદાદાએ છાપી છે. એ પૉર્ટુગલ ગયેલા ત્યારે 'પાન-દ-જેઠી'ની ભાત મનમાં છાપતા આવેલા. આ અદ્લોઅદ્દલ એવી જ છે. પણ આ વેચવા માટે નથી. આ તો ખાલી ઓઢણાના મૂલ કેવા હતાં એ તમારાં જેવાને કહેવા માટે બતાવવા રાખી છે. બધાંયને હું બતાવતો પણ નથી. આ અમારે કચ્છના માંડવી, દૂધઈ ને ધમડકાના ઘણાં રંગરેજ(કાપડ રંગનારા) કુટુંબના સીધાં લીંટા આ જેઠીબાઈને કારણે આજેય ટક્યાં છે. પણ હા તે તમે ભાવનગરના છો તે દીવ તો જા'તા જ હશોને ભાઈ?' મેં ક્હ્યું : 'રહું છું તો ભાવનગર પણ હું દીવ ક્યારેય ગયો નથી. કેમ કે, દારુ હું પીતો નથી બાપા એટલે દીવ મને હજી બોલાવતું નથી.' મારી આવી આ વાતો સાંભળીને એ પુરુષને હસવું આવી ગયું. મેં એના હાસ્યને અધવચ્ચ અટકાવીને પૂછ્યું : 'પણ આ ઓઢણાની વાતમાં અમારું દીવ વચમાં ક્યાં આવ્યું બાપા?!' અને પછી તો એ પુરુષે મને જેઠીબાઈના ઓઢણાની ને દીવ બંદરની જૂની વાતો માંડીને કરી. વળી એનું ને એની દીકરીનું જ નહીં; પણ એની ઉપલી ઘણી પેઢીઓના નામ-ઠામ ને ઠેકાણાં પણ કહ્યાં. લગભગ સાડા ત્રણસો-ચારસો વરસ પહેલાની આ વાત છે. કચ્છના માંડવીનું એક દંપતી નામે જેઠી ને એના ધણી પંજુ ખત્રીએ સૌરાષ્ટ્રના દીવ બંદરે વસ્ત્રવણાટ ને રંગાટકામનું એક મોટું કારખાનું થાપેલું. એ વખતે કચ્છના ખત્રીઓએ કપડાના રંગાટકામમાં ઘણી નામના કરી હતી. આપણાં મુલકનું કાપડ દરિયાપારના દેશોમાં નિકાસ થતું એટલે જેઠીબાઈ ને એના ધણી પુંજાએ દીવના બંદરે રંગાટકામનું કારખાનું નાખ્યું. જેથી કરીને એના બનાવેલા ઓઢણાઓને જહાજમાં ચડાવીને દરિયાપાર ઝટ દઈને મોકલી શકાય. તે હવે આ એ વખતની વાત છે. જેઠીબાઈના દીવના કારખાનામાં કચ્છના દૂધઈ પંથકનો કાનજી નામે એક કામદાર મરણ પથારીએ પડ્યો છે ને પોતાની જિંદગીના છેલ્લા શ્વાસો ગણે છે. પંજુ ને જેઠીબાઈના કારખાનામાં કામ કરતાં બધાં કામદારો મૂળ કચ્છના જ હતાં એટલે ઘરબારથી ઘણે દૂર હતાં. છેલ્લા શ્વાસ લેતાં કામદાર કાનજીની ઘરવાળી નથી ને કુંટુંબમાં હવે એક પંદર વરસનો દીકરો પમો જ બચ્યો છે. કાનજીનો જીવ કેમે કરીને જતો નથી, કેમકે એનો જીવ એના એકના એક દીકરા પમામાં ચોંટ્યો છે. કારખાનાની માલકણ જેઠીબાઈ કામદારોની મા કરતાં'ય વિશેષ હતી. એક કાનજી માટે જ નહીં કારખાનામાં હતાં એટલા બધાં કામદારો ઉપર એ સગી મા જેટલું જ વહાલ વરસાવતી. મરણપથારીએ ચોંટી રહેલા કાનજીના ઉચાટને જેઠીબાઈ પામી ગઈ કે કાનજીનો જીવ શા કારણે જતો નથી? આ એ અરસામાં પોર્ટુગીઝોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું ને પોર્ટુગલની મહારાણી વતી દીવ બંદરનો બધો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવતો હતો. એ વખતે પોર્ટુગલના પાદરીઓ દીવમાં ખાંડ ખાઈને ધર્મપરિવર્તનની વટાળપ્રવૃત્તિઓ પુરજોશમાં ચલાવતા હતાં. દેશમાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે પાદરીઓ જમીન-આસમાન એક કરી રહ્યા હતા. દીવના કાયદાઓમાં એક કાળો કાયદો તો એવો હતો કે કોઈ પણ બાળક જો મા-બાપ વિના નિરાધાર થઈ જાય કે અનાથ થઈ જાય તો તેને બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવાની ફરજ પડાતી ને તેનાં બધાં માલ-મિલ્કત જપ્ત કરી લેવામાં આવતાં. આ કડવા ઝેર જેવાં કાયદાએ દીવની પ્રજામાં ફફડાટ બેસાડી દીધો હતો. સત્તા સામે શાણપણ ચાલતું નહોતું. પાદરીઓ મર્યાદા વટાવીને પણ વટાળપ્રવૃત્તિમાં મચ્યા હતા ને એમના આવા કાયદાને દીવનો ગવર્નર પણ પડકારી નહોતો શકતો.

        પોર્ટુગીઝોના આવા આપખુદીના સમયમાં કામદાર કાનજીનો જીવ અટવાઈને પડ્યો હતો કે, 'મારા મરણ પછી મારા દીકરાને ખ્રિસ્તી ધરમમાં વટલાઈ જવું પડશે ને મેં કરેલી બધી કમાણી દીકરા પમાએ પાદરીઓના ચરણોમાં ધરી દેવી પડશે.' લગભગ પંદરેક દિવસ સુધી કાનજી આવી ચિંતામાં ને ચિંતામાં મરણ-પથારીએ કણસ્યા કર્યો ત્યારે એના રૂંધાતા જીવને જેઠીબાઈએ શાતા આપી કે, "કાના! તારા જીવને હવે બક્ષી દે ભાઈ. પમો જેટલો તારો છોરો એટલો જ એ તો મારો જીવ. આજથી આ દીકરો એકલો તારો નથી પણ મારો'ય છે. તું સુખેથી સરગમાં પમાની માને સંગાથ દેવા હવે પરિયાણ(પ્રયાણ) કર.' જેઠીમાના આ સાકર જેવા શબદ કાને પડતાં જ કાનજીએ જીવ છોડ્યો. પણ હવે જ સમય કપરો હતો. કાનજીના મરણના સમાચાર જો દીવના પાદરીઓ ને શાસકો સુધી પહોંચી જાય તો પોર્ટુગીઝ પોલીસવાળા કારખાનામાં ઉત્પાત મચાવી દે ને કાનજીના દીકરા અને એની જે કંઈ માલ-મિલકત હોય એ બધું જ લઈ જાય. જેઠીબાઈએ કાળને પારખીને કાનજીના મૃત્યુની વાત જેમતેમ કરીને છૂપાવી રાખી ને કાનજીના દીકરા પમાના લગ્ન રાતોરાત બીજા એક કામદારની દીકરી સાથે કરાવી દીધાં ને એમ પોતાના કામદાર કાનજીના દીકરાનું નવું ઘર પણ માંડી દીધું. પાંચ-સાત દિવસે કાનજીના મૃત્યુની જાહેરાત કરવામાં આવી ત્યારે દીવના પોર્ટુગીઝ પાદરીઓના ધાડાં કારખાના પર ઊતર્યા. હથિયારધારી પોર્ટુગીઝ સૈનિકો પણ સાથે હતાં. પાદરી કહે કે પમો હવે મા-બાપ વિનાનો છે એટલે લાવો એને. એનો બધો હવાલો હવે અમારાં હસ્તક કરો. ત્યારે જેઠીબાઈ આડી ફરેલી કે, 'પમો અનાથ નથી. એના લગ્ન થઈ ગયેલા છે એટલે હવે એ અનાથ નથી.' જેઠીબાઈનો આવો વિરોધ સાંભળીને એ વખતે તો પાદરીઓ ને પોલીસવાળાએ થોડા ધમપછાડા કર્યા પણ એ પછી કાનજીનો કેસ એ લોકો દીવની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. કાનજીના લગ્ન ખોટા ઠરવવા પાદરીઓએ ઘણી દલીલબાજી કરી પણ હિંદુધર્મ પ્રમાણે કોઈના લગ્ન ફોક ના કરાવી શકાય એ નિયમે પમાના લગ્ન કાયદેસર ગણાયા અને પાદરીઓએ પમાને વટલાવવાના હથિયાર હેઠાં મૂકી દીધાં. આમ જેઠીબાઈ જીત્યા તો ખરાં પણ પોર્ટુગીઝ સરકારના આ જાલીમ કાયદાએ કચ્છની એ બાઈની ઊંઘ હરામ કરી દીધી. આવા જુલમી કાયદાનો વિરોધ કેમ કરીને કરવો એ વિશે જેઠીબાઈએ એ વખતે ઘણાં ઘણાં વિચાર કર્યાં ત્યારે કોઈએ એમને સારા વકીલની સલાહ લેવાનું કહ્યું. અને જેઠીબાઈએ એક બાહોશ પારસી બારિસ્ટરની સલાહ લઈને પૉર્ટુગલની મહારાણી ઉપર પોર્ટુગીઝ સરકારની આવા જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં જ હ્રદય ચીરાઈ જાય એવી ભાષામાં લખાવી. એ પછી આ અરજના લખાણોના મોટાં-મોટાં બીબાં લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કર્યા. ને એક મોટી મુલાયમ રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં છાપીને તૈયાર કરી. એટલું જ નહીં આ ઓઢણીમાં જે અરજી છાપી હતી એની ચારે તરફ એ વખતના કેટલાંક જાણીતા હિંદુ આગેવાનોની સહીઓ પણ છાપી. ધરમને નામે ચાલતા પાદરીઓના જુલમનો એમાં આબેહૂબ ચિતાર ચીતર્યો. ઓઢણી આમ તૈયાર થઈ એ પછેં જેઠીબાઈએ એને મજાના મલમલના કાપડમાં વીંટીને એક ભરતભરેલી થેલીમાં મૂકીને પોર્ટુગલ જવાની તૈયારી કરી. અને એક દિવસ...અને એક દિવસ દીવ બંદરેથી પોર્ટુગલ જતાં એક વહાણમાં ચડીને કચ્છની આ જેઠીબાઈએ પોર્ટુગલની સાવ અજાણી ધરતી પર પગ મૂક્યો. ત્યાં પોર્ટૂગલ સરકારના બે મોટા અધિકારીઓની મુલાકાત માગી. જેમાં એકનું નામ તે એન્ટોનિયોમેલા-દા-કાસ્ટ્રૉ ને બીજો તે મોનાલિઓકાસ્ટ્રૉ-દા-રાલ. આ બેય અધિકારીઓમાં કંઈક માણસાઈ ભરી પડી હશે તે જેઠીબાઈને એમણે મુલાકાત આપી. પણ જેઠીબાઈ નાનપણમાં કચ્છની ધરા ધાવેલી હશે તે એણે ચતુરાઈ વાપરી ને પોતાની મુલાકાતને વખતે ધોળે દિવસે એ પોતાના હાથમાં સળગતી મશાલ લઈને ગઈ. અધિકારીઓએ આમ કરવા પાછળનું કારણ પૂછ્યું તો જેઠીબાઈએ મરમમાં જવાબની બરછી ફેંકી : 'પોર્ટુગીઝ સરકારના રાજમાં કાળું અંધારું છે એટલે એને અંજવાળાની ઘણી જરૂર છે.' જેઠીબાઈના આવા જવાબે બંને અધિકારો પર ઊંડો પ્રભાવ પાડ્યો ને એમણે જેઠીબાઈની મુલાકાત પોર્ટુગલની મહારાણી ડૉન લિઝા સાથે ગોઠવી આપી. કહે છે કે પોર્ટુગલની રાણી ડૉન લિઝા અને અમારાં જેઠીમાની મુલાકાત ઘણી લાંબી ચાલી હતી. જેઠીબાઈએ એ વખતે હૈયું ઠાલવીને દીવના એ કાળા કાયદા વિશે રાણીને બધી વાત કરી ને પછી કચ્છી કલાકારીગરીથી બનેલી પેલી ઓઢણી ભેટ દીધી. ઓઢણીની અંદર મોટાં અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણીનું દિલ પણ તાર-તાર થઈને નિચોવાઈ ગયું ને એની આંખોમાં જળના ટશિયા ફૂટેલા એમ કહે છે. આ એ વખતે જ પોર્ટુગલની મહારાણી ડૉન લિઝાએ જેઠીબાઈની આ હિંમત માટે ખૂબ પોરસ ચડાવેલા ને હિંદુસ્તાનમાં પોર્ટુગીઝ શાસનનો એ જુલમી કાળો કાયદો પોતાના ખાસ આદેશથી રદ કરાવેલો. તે ભાઈ, તે દિવસથી જેઠીબાઈની આ ઓઢણી 'પાન-દ-જેઠી'ના નામે દુનિયા આખીમાં નામના પામી છે. એ ઓઢણીની ભાત સાથે જેઠીબાઈનું નામ જોડવામાં આવ્યું છે. આ ભાત હિંદુસ્તાનની એક અનોખી ભાત ગણાતી લો. અરે એટલું જ નહિ, પોર્ટુગલની રાણીએ તાંબાના પતરા પર ખાસ એવો ઠરાવ કરેલો કે જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ એના ઘરના ઝાંપા પાસે સરકારી બેન્ડ વગાડવું અને જેઠીબાઈ જીવે ત્યાં સુધી એમને આવું સન્માન આપવું એવો હુકમ કર્યો. કહે છે કે પોર્ટુગીઝ અધિકારીઓ જ્યારે પણ જેઠીબાઈના ઘર પાસેથી નીકળતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરની હેટ ઉતારી નાખતા. તે આ આવાં હતાં અમારાં જેઠીમા અને આ એમની 'પાન-દ-જેઠી'ની ભાતવાળી ઓઢણી. ભાઈ, કચ્છના એક આ જેઠીમાએ પોતાનું જ નહીં પણ આખાય કચ્છનું ઓઢણું ઉજાળ્યું. કહે છે કે દીવની સરકારે અત્યારે દીવના બસસ્ટાન્ડને 'જેઠીબાઈનું બસસ્ટાન્ડ' નામ આપ્યું છે; તે હવે તમે જો દીવ જાઓ તો જેઠીબાઈના બસસ્ટેન્ડે જઈને એના કારખાનાની ભાળ લેજો ને એની પવિતર ભોંય પર પગ મૂકજો.' એકવીસમી સદીમાં હું સત્તરમી સદીની એક એવી કથા સાંભળી રહ્યો હતો જે મારાં રૂંવાડાં ઊભાં કરતી હતી. કચ્છની આ જેઠીબાઈની કથા સાંભળીને મારી અંદર કંઈક પ્રકારની ઊથલપાથલ મચી પડી હતી. બોલીવુડની જ નહીં પણ હોલીવુડની કોઈ ફિલ્મ જો બની હોય તો આ કથા કેવો તરખાટ મચાવી શકે એમ છે એનો અંદાજ મને આવી રહ્યો હતો. ભારતમાં ગાંધીજીના જનમવાને હજી બસ્સો-અઢીસો વરસની વાર હતી એ સમયે મારા દેશની એક સ્ત્રી કઈ જિદ્ અને ખુમારીથી સમાજના અન્યાયો સામે ઝૂઝારું થઈને ઝઝૂમી છે એ વિચારે મારી અંદરનું લોહી ફૂંફાડા મારવા લાગ્યું હતું. આજે એકવીસમી સદીમાં મારા જેવડાં લબરમૂછિયા પુરુષો દીવમાં દારુની પાર્ટીઓ કરવા વારંવાર જાય છે પણ એમાંથી કેટલાંને આ જેઠીબાઈની ખબર હશે?!! કેટલાં જાણતાં હશે કે જેઠીબાઈએ એ અન્યાયી કાયદો કઢાવવા માટે કેવાં કેવાં કષ્ટો સહન કર્યા છે?! જેઠીબાઈએ આપણને શું આપ્યું એ સવાલ આજે હું મારી જાતને પૂછું છું તો જવાબ જડે છે : એક તો 'પાન-દ-જેઠી' અને બીજું તે ગૌરવભેર માથું ઊંચુ કરી જીવતાં રહેવાની એની અદની હિંમત. પણ અફસોસ, જ્યાં ગાંધી જેવા ગાંધી જ હવે ભૂલાતા જાય છે ત્યાં જેઠીબાઈને યાદ તે વળી કોણ રાખવાનું!? કેટલાંક કહે છે કે જેઠીબાઈનો વંશ-વારસો ને લંબાતો વેલો હવે મુંબઈમાં રહે છે, પણ હજી સુધી એમની કોઈ આધારભૂત માહિતી જડી નથી. કેટલાંક કહે છે કે જેઠીબાઈની આપેલી મૂળ ઓઢણી પૉર્ટુગલના લિસ્બન શહેરમાં હજી સચવાઈને પડી છે તો કેટલાંક કહે છે કે એ લંડનના મ્યુઝિયમમાં હમણાં સુધી સચવાઈને પડી હતી, પણ હવે નથી. દીવમાં જેઠીબાઈના રંગાટકામના કારખાનાના લાકડાના કૂંડ અને પાટિયા ગઈ વીસમી(૨૦) સદીના અંતભાગ સુધી હતાં પણ ડિસ્કવરી ચેનલવાળાએ દીવ પર ડૉક્યુમેન્ટરી કરી ત્યારે એ ચોરાઈ ગયા એવો એક સંકેત મને કચ્છના પ્રવાસ પછીના દીવના ખાંખાખોળાથી મળ્યો છે. પણ મને આ ઓઢણીના ફોટો ક્લિક કરવાનું ઘણુંય મન હતું. પણ આ બાપ-દીકરીને પોતાના પરદાદાએ નકલરૂપે છાપેલો આ વારસો જાહેરમાં નહોતો મૂકવો એટલે મેંય મમત મૂકી દીધી. સારું ચાલો, સાઈકલ તો ચલતી ભલી. 'પાન-દ-જેઠી'ની ઓઢણી બતાવનાર કાનજીના દીકરા પમાના એ વંશવેલાની, એ બાપ-દીકરીની મૉરસને બદલે ગૉળ નાખેલી ચા પીને હું ફરી પાછો મારા રસ્તે પડ્યો.


        જેઠીબાઈની ઓઢણીના એ મુલાયમ સળમાંથી મેં જ્યારે મારી સાઈકલ બહાર કાઢી ત્યારે બપોરના લગભગ એક વાગી ગયો હતો. મનમાં થયું કે હવે ધ્રંગ તો સાંજે પાંચ વાગ્યા પહેલા પહોંચાશે નહીં. સદીઓથી ધ્રંગમાં સદાવ્રતનું રસોડું ચાલે છે એટલે અમને બેય ભાઈઓને એમ હતું કે 'બપોરાં તો' ધ્રંગના રોટલાં-પાણીના પ્રસાદે થઈ જશે. પણ હવે તો નહોતા આ પાર કે નહોતા પેલે પાર. 'જમવું ક્યાં? જમવાના સવાલો નડે છે.'-ની ચિંતા આપણને રોજ દિ' ઊગેને સતાવતી હોય છે તે એવી ચિંતા વળી પાછી અમનેય ઘેરો ઘાલી ગઈ. હવે અમારે ભચાઉ-ભૂજ હાઈવેથી અંદર આડબીડ પડીને ધ્રંગની દિશા ખોળવાની હતી. ગૂગલ-મહારાજ કહેતાં હતાં કે 'કાનિયાબે ગામથી જમણે ફાંટે વળી જાજો', એટલે હું તો મારા નાના ભાઈની સંગાથે થઈને સાઈકલ હાંક્યે ગયો. પણ કાનિયાબેથી ધ્રંગ હજી પાંત્રીસેક કિલોમીટર છેટે ફંટાતું હતું ને અમે જ્યાં હતાં ત્યાંથી કાનિયાબે બારેક કિલોમીટરના પટે દૂર પડ્યું હતું. છાતીમાં ધ્રાસ્કો બેસી ગયો કે હવે આજ રાત્રે ભૂજ પહોંચવું ભારે થવાનું છે. એમાંય આ તો ઉત્તર કચ્છનો સાવ કાંઠાળ વિસ્તાર. કચ્છના પ્રખ્યાત બન્નીનો પ્રદેશ ને ખારોપાટ અહીંથી શરૂ થઈને છે...ક પાકિસ્તાનના સિંધ સુધી વિસ્તરેલો છે ને એમાં આ ઉપરથી ચામડાં ફાડી નાખતી ઠંડીમાં જો ભૂજ શહેર સિવાય રાત ગાળશું તો સવારે હાડકાના માવામાં મીઠાના ગાંગડાં સિવાય કાંઈ નહી વધે. મારા નાનાભાઈ કહે કે કાનિયાબેથી હવે ધ્રંગ સમયસર પહોંચવું અઘરું છે એટલે આપણે હવે શૉર્ટ-કટ શોધવો જ પડશે. રસ્તામાં એક સંધિ-માલધારી સાંઢિયાની પોઠ લઈને જતો હતો. અમે એને અમારી અરજ કરી : 'ભૈસાબ, એવો રસ્તો ચિંધાડ કે ઝટ્ટ આવે ડાડો મે(ક)રણ.' એણે કહ્યું કે 'કાનિયાબેથી તો તમને છેટું પડે. પણ આ હમણાં નવાગામનું પાટિયું આવે ન્યાંથી હેઠાં ઊતરી જાજો. જો કાનિયાબે થઈને જાસો તો મેકણ ડાડો તો આવતા આવશે પણ તમીં મટ્ટી-મટ્ટી(માટી-માટી) ભરઈ જહો ને તમારાં ડિલના બધાંય કાણાંમાં ધૂડની ડટ્ટી લાગી જહે.' પછીથી ખબર પડી હતી કે કાનિયાબેથી ધ્રંગવાળા મારગે સાઈકલ પર જવું અઘરું હતું. કેમકે ત્યાંની ખાણોમાંથી જ કચ્છની ઝીણી ધોળી ધૂળ દેશ અને દુનિયાના સિરામિક ઉદ્યોગોને પહોંચે છે. એ મારગ પર ચાલતા દૈત્યશાં ડમ્પર-ટ્રક અમારી ચામડીના ઝીણાં-મોટાં છીદ્રોમાં'ય ધૂળ ભરી દેશે એવો સંકેત એ માલધારીએ અભદ્ર ભાષામાં અમને આપ્યો હતો એટલે હવે નવાગામવાળો રસ્તો જ અમારો એક-માત્ર વિકલ્પ હતો. અમે વળી-ગયા તરત નવાગામને પાટિયેથી જમણી દશ્યમાં ને હંકારી સાઈકલ પૂર-ઝડપે. કકડીને ભૂખ લાગી હતી એ કરતાં'ય રાત પહેલા અમારે ભૂજ પહોંચવું હતું એટલે હવે ગતિ આવી હતી. મારગમાં એમ તો અનેક મમતીલાં માણસોએ આગ્રહ કર્યો કે 'એ ભાઈ, રોટલા ખાઈને જાઓ ભૈસાબ. અરે આજની રાત આંય રોકાઈ જાઓ. મુસાફર અમારે ગામ ક્યાંથી?' પણ અમે એમ શહેરી 'હવા ખાધેલા હતાં' એટલે ભોળા માણસોનો'ય વિશ્વાસ કરવામાં આપણે જેમ સો-વાર વિચારીએ છીએ ને પછી 'ખોટાં બહાના કાઢીને આગળ વધતાં રહીએ છીએ'- એમ અમેય આગળ વધતાં ગયાં. પણ આ કચ્છીઓ એમ તમને ખાલી હાથ આગળ વધવા દે તેવા નથી. દરેક વખતે બન્યું છે તેમ હું પાછળ રહ્યો ને મારા નાનાભાઈની ગિયરવાળી સાઈકલ બે'ક કિલોમીટર આગળ ચાલતી રહી. આગળ રસ્તાંમાં, એક ટ્રેકટરવાળાએ મારી પાસેથી 'સાઈકલ પર કેમ નીકળ્યા છો? ને ક્યાં જશો? '-એવી માહિતી લીધી ને મેં દીધી. એણે ટ્રેકટરમાં બેઠાં-બેઠાં જ આગ્રહ કર્યો : 'હાલો ઘર્યે. જાજી વાર નહીં થવા દઉં. જમીં-કરીંને આગળ હાંકજો.' મેં અનેક બહાના કરીને એ ટ્રેક્ટરવાળા ભાઈને વળાવી દીધો. એ પછી મેં ચારેક કિલોમીટર સાઈકલ ચલાવી હશે ત્યાં મારા નાના ભાઈ રસ્તામાં પોતાની સાઈકલને સ્ટેન્ડ કરીને ઊભા હતાં. કહે કે, 'એક ટ્રેકટરવાળો ભાઈ પોતાના ઘરે ચા-પાણી પીવા આવવાનો ઘણો આગ્રહ કરીને ગયો છે. એનો બિચારાનો બહુ ભાવ હતો એટલે હવે જવું પડશે. આગળ હવે મોડસર ગામ આવશે ત્યાં ઈ આપણને પાદરે લેવા આવવાનો છે.' પછી તો ત્રણેક કિલોમીટર સાઈકલ હંકારી ને મોડસરના ઝાડવાં દેખાવાના શરૂ થઈ ગયાં. ગામમાં પ્રવેશતો આખોય મારગ ભારે ચિત્રાત્મક હતો. આસપાસ નાનીમોટી ટેકરીઓ ને એ ટેકરીઓમાં કેડાં ઉપર ચડતું-ઊતરતું આખુંય ગામ. એ ગામના પાદરમાં એ જ ટ્રેકટરવાળા ભાઈ ઊભા હતાં જે મને પોતાના ઘરે આવવાનું ઈજન આપી ગયેલા. હેતે કરીને એ અમને મળ્યા. એમનું નામ પણ મોહનભાઈ. મને થયું મારે આ 'મોહન' નામ સાથે ઘણું લેણું લાગે છે. મોહનભાઈ અમને એને ઘરે લઈ ગયા તો એમનો આખોય પરિવાર ફળિયામાં અમને આવકારવા ઊભો હતો. વૃદ્ધ મા-બાપ ને નાના ભાઈનો સદ્ભભાવ ભીંજવી ગયો. કચ્છના માણસોની મહેમાનગતિનો જોટો જડવો મુશ્કેલ છે એની પ્રતીતિ વારંવાર થતી હતી ને એમાં આ મોડસરના સાવ અજાણ્યા પરિવારનો ઉમેરો થયો. ત્યાં લગભગ અરધોક કલાક બેઠાં, ચા-પાણી પીધાં. જમવાનો બહુ આગ્રહ કર્યો પણ અમે આગ્રહપૂર્વક ના પાડતાં રહ્યાં.પછી જ્યારે અમેં આગળ વધવાની રજા લીધી તો આખુંય ઘર ફળિયાની ખડકી સુધી વળાવવા આવ્યું.


        બપોરે બે વાગ્યે જેવું મોડસર છોડ્યું કે કચ્છની ધરતીએ રંગ બદલ્યો. જાણે કોઈ આરબ દેશની ભૂલી પડેલી આ કોઈ ભૂગોળ હતી. ઊંચી-નીચી ટેકરીઓ ને ટેકરીઓની વચ્ચે ધૂળિયા મારગે એકલી-અટૂલી ઊભેલી ખજૂરીઓના લેન્ડસ્કેપ જોવા ગમી જાય તેવા હતાં.અમારે મોડું થતું હતું છતાંય અરધી'ક કલાક અમે આ મારગે ધીમી ધારે ચાલતા રહ્યા. ડુંગરોના મારગ વચ્ચેથી પસાર થતાં હતાં ને અચાનક એક એવા સ્થાન પર આવીને અમે ઊભા રહ્યા કે જ્યાંથી બન્નીનો આખોય વિસ્તાર અમારી સાવ નીચે દેખાતો હતો. આ માર્ગે અમારી સિવાય કોઈ નહોતું.સિંગલ-પટ્ટી ડામર રોડ હતો ને બસ બધે સૂનકાર સૂસવાતો હતો. સામી નજર નાખો ત્યાં સુધી મેદાન જ મેદાન. ખાવડા ને કાળા ડુંગરના પડખામાં થઈને મારી નજર છેક પાકિસ્તાન-સિંધમાં હિંગળાજના થાનકે જઈને ઠરતી હોય એવી અનુભૂતિ મને થઈ રહી હતી. શરીર પરના બધાંય રૂવાડાં ઊભા થઈ જાય એવાં કંપનો આ ક્ષણે હું અનુભવતો હતો. દિવસ-રાત ને બધોય કાળ થંભી જઈને મને જાણે દૂર-દૂરથી કોઈ સાદ પાડી રહ્યું હતું. ઊંચા

ડુંગરોના એ સર્પિલ રસ્તાઓ કોઈ સ્વર્ગના મારગથી કમ નહોતા. પણ મારું આ સ્વર્ગ રેતી, પત્થર ને એકાંતે ઝૂરતા પીળી ભોંયવાળા કચ્છનું સ્વર્ગ હતું. એ ઠેકાણે ડુંગરના ઊતરતા ઢાળે અમે અમારી સાઈકલો ઊભી રાખીને ઘડીક ફૉટોગ્રાફી કરી રહ્યાં હતાં ત્યારે એક સ્થાનિક મોટરસાઈકલવાળાએ અમારી સાથે સંવાદ રચ્યો. અમે અમારાં નામ-ઠામ ને ઠેકાણા દીધાં, થોડીઘણી વાતો કરી ત્યારે એણે કહ્યું : 'મેકણડાડાએ ધ્રંગ પહોંચતા તો તમને મોડું થશે. એટલે તમે રસ્તામાં હવે સરવણ ને એના મા-બાપની સમાધિનું થાનક શ્રવણ-કાવડિયા આવે ન્યાં જ રોટલા ખાઈ લેજો. શ્રવણ-કાવડિયામાં'ય મેકણડાડાનો ધૂણો છે.' મને થયું શ્રવણ ને એના મા-બાપ? અને એમની સમાધિ વળી આ કચ્છમાં!!? પંદરેક કિલોમીટર નીચે ઊતર્યા ત્યારે બપોરે સાડા ત્રણે અમે શ્રવણ-કાવડિયા પહોંચ્યા. જગ્યા ગમી જાય એવી છે. અમારી સિવાય કોઈ નહોતું. મુખ્ય મંદિર-ઓરડામાં બે મોટી સમાધિની વચ્ચે એક નાના બાળકની હોય એવી સમાધિ છે. દ્વાર ખોલીને દર્શન કર્યા. સમાધિ-મંદિર પાસે એક ઘેઘૂર પીલુડીના ઝાડના છાંયે બે પડછંદ આદમી બેઠાં હતાં. એકે ભગવો ધારણ કરેલો ને બીજાએ ધોળા બાસ્તાં જેવાં લૂગડાં પહેરેલા. અમે એમની પાસે પહોંચ્યા ને હાથ જોડીને જય-માતાજી કર્યાં તો કહે : 'પધારો, જીનામ. ક્યાંથી આવ્યા ભાઈ?' જેવો મેં આ 'જીનામ' શબદ સાંભળ્યો ને મારી અંદર આનંદનું એક લખલખું ફરી વળ્યું. હું જ્યારે પણ કચ્છ આવ્યો છું ત્યારે ત્યારે હાઈવે પરના ઘણાં વાહનો પાછળ મેં આ 'જીનામ' લખેલું વાંચ્યું છે. એમ તો ખબર પણ છે કે આ 'જીનામ' એ દાદા મેકરણનો મૂળ બીજમંત્ર છે. પીલુડીને છાંયે બેઠેલા એ માણસોને અમે અમારા પ્રવાસથી વાકેફ કર્યા ને કહ્યું કે, 'ભૂખ લાગી છે. જાણીએ છીએ કે હવે તો ઘણુંય મોડું થયું છે પણ જો આંયા જમવાનું કાંઈક મળી જાય તો રાત્રે ભૂજ સુધી અમારે પછી વાંધો ન આવે.' મારી આ વાત સાંભળીને ધોળા લૂગડાંમાં રહેલો પાંચ હાથ પૂરો એ આદમી ઊભો થયો. એની ઘેરદાર ચૉરણીના સળ સડ-સડ અવાજ કરતાં અમારી તરફ ધૂળ ઊડાડતાં ઊઠ્યાં. એ માણસ પાસે આવીને કહે : 'જીનામ, રોટલા તમારી જ રાહ જોવે છાં. પધારો, રસોડે જાંઈ. તમે વાં કૂંડીએ હાથ-મોઢું ધોવો તાં હું ગરમ રોટલા ઉતરાવું.' અમે હાથ-મોઢું ધોઈને ભોજનશાળાએ પહોંચ્યા તો એક ટેબલ પર ગરમા-ગરમ દાળ-ભાત-શાક-રોટલી ને અમૃતથીય મીઠી એવી છાશ તૈયાર રાખેલા. ભોજન એકદમ સ્વાદિષ્ટ હતું. અમારા સિવાય જમનાર કોઈ નહોતું એટલે મેં પૂછ્યું : 'અમારા આવવાની તમને તો ખબર નહોતી તો આ રસોઈ કોને માટે કરેલી?' જવાબ જડ્યો : 'તમારા માટે જ કરેલી છેં જીનામ, જમો. આંયા આ આટલા પંથકમાં ત્રણસો વરસથી ભૂખ્યાને માટે રોટલો ઘડાય છેં. તમે પેટ ઠારીને જમો બાપા.' એ માણસનું નામ ધનજીભાઈ હતું. પાસેના લોડાઈ ગામના રહેવાસી પણ શ્રવણ-કાવડિયાના આ થાનકે મુસાફરોની સેવા કરે છે. ધનજીભાઈએ અમને તાણ કરી-કરીને જમાડ્યા અને મેં જમતાં જમતાં ધનજીભાઈને ખોતરવાનું ચાલુ કર્યું : 'તે હેં બાપા, આ શ્રવણની સમાધિ આંય ક્યાંથી?' મારા આ એક સવાલે તો વૃદ્ધ ધનજીભાઈએ કંઈ-કેટલીય વાત્યુનાં સરવડાં વરસાવ્યાં ને અમે લગભગ બે કલાક સુધી અમારી કથાઝોળી ભર્યે રાખી. ધનજીભાઈ વાતડાહ્યા માણસ હતાં. અમે અમારી થાળી ઉપર એઠાં હાથે બેઠાં રહ્યાં ને એમણે એક પછી એક વાતો પીરસ્યે રાખી. મને કહે,
'જીનામ,
માછલી વિયાણી કાંઈ દરિયાને બેટ,
સરવણ રિયો એની માને પેટ,
કાળી પછેડી ને ભમરિયાળી ભાત,
સરવણ જનમ્યો માઝમ રાત,
અડી કડી ને નવઘણ કૂવો,
ત્યાં સરવણનો જનમ હુઓ,
લાંબી પીપળ ટૂંકા પાન,
સરવણ ધાવે એની માને થાન.
સરવણ પાણીડાં ભરવાને જાય...
ભરિયા લોટા ને ખખડયાં નીર
સરવણ વીંધાણો પેલે તીર
તરસ્યાં તપસ્વી પાણીડાં પીઓ
તમારો સરવણ સરગે ગિયો
આંધળા માબાપે સાંભળી વાત
દાઝેલ દલડે દીધો રે શ્રાપ
દશરથ તારે દીકરા ચાર
અંત સામે નહિ એકેય પાસ'



- દશરથ રાજાએ સરવણને આ ઠેકાણે જ બાણ મારેલું ભાઈ ને આ ઠેકાણે જ સરવણના મા-બાપે દશરથ રાજાને સરાપ આપેલા. આ તમે જે ઠેકાણે તમારી સાઈકલું ઊભી રાખી છાંને? એનાથી થોડેક છેટે એક તળાવ છેં. આ એ તળાવે જ સરવણ એના તરસ્યા મા-બાપ હ઼ાટું પાણી ભરવા ગયેલો ને દશરથે તીર મારેલું. સરવણ એના મા-બાપને કાવડમાં બેસાડીને કચ્છના કોટેશ્વરની જાતરાએ લઈ જાતોં ઉતો તે આંય આ તળાવને કાંઠે જ એ બીના બની લો. એ તળાવનું નામ મોતીસર તળાવ. કહે છાં કે પેલાના વખતમાં આ એ તળાવમાં સાચાં મોતી પાકતાં એટલે એનું નામ મોતીસર તળાવ પડ્યું છાં. અને આ સામે પટમાં જો પેલો કૂવો દેખ્યો? એ કૂવાના પડખે તમે લૂગડાં દેખ્યા? આ એ કૂવો છાંને 'સાચનો કૂવો' છેં. મેકણ ડાડો આ એ કૂવાના પાણીએ નાહતા-ધોતાં. અટાણે એ કૂવાના પાણીએ જો કોઈ ચામડીનો રોગી માણા પેરેલ કપડે ન્હાય તો એના ચામડીના બધાંય રોગ જડમૂળમાંથી નીકળી જાય એવું એનું પાણી છે. ગામેગામથી ચામડીના દરદવાળા આ કૂવાના પાણીએ ન્હાવા આવે છેં ને એના પહેરેલા જૂના લૂગડાં આંય ઢગલો કરતાં જાય છેં. જુઓ, પણે તમને લૂગડાંનો ઢગ દેખાય છાં?' મેં લાંબી ડોક કરીને જોયું તો એક બાંધેલ કૂવાના કાંઠે કપડાનો બહુ મોટો ખડકલો પડેલો દીઠો. ધનજીભાઈ ઉત્તર દિશામાં પોતાનો ચહેરો સ્થિર કરીને દાદા મેકરણના અનેક પરચાઓની વાત કરતા હતાં. જે હવે તો જગ જાહેર છે. પણ એમણે અમને જે કથાકહેણી કરી એના લહેકા ને એમના લહેજા કોઈને પણ ગમી જાય એવા હતાં. મારા ભાઈના ખભે હાથ મૂકીને કહે : 'અરે જાડેજા દરબારુ, તમને ખબર નથી કે મેકણ ડાડો તો તમારા ક્ષત્રિયમાં થઈ ગ્યો!? માતાના મઢ પાંહે ખોંભડીમાં એમનો આજથી ત્રણસોક વરસ પહેલા જનમ થેલો ને એમણે ભૂખ્યા-તરસ્યાની સેવાનો ભેખ લીધો. એ વખતે કચ્છના માણા કચ્છમાં કામ ન હોય તિઆરે સિંધૂ નદીના કાંઠે મજૂરીએ પગે ચાલીને જાતા. સિંધૂ નદીના એ કાંઠે લાલ ચોખા સારાં થાય તે એ લોભે બચારાં જાય-આવે પણ આ બન્નીનું ખારું રણ ગમે એને ભૂલા પાડી દે એવું છાં. ખાધાંપીધાં વિનાના બચારા રણમાં જ ધા નાખી-નાખીને ભૂખ્યાં તરસ્યાં મરી જાય એટલે મેકણ ડાડો એના એક પાળીતા ગધેડા ને કૂતરાની મદદથી એ ભટેકલાની ભાળ કાઢીને જમાડતાં. તે આ એક વખત છેંને ભા, મેકણ ડાડો સિંધમાં હિંગળાજ માતાના થાનકે દરશને પગે ચાલીને જાતા'તા. હિંગળાજ અટાણે તો પાકિસ્તાનમાં છેં. તે મારગમાં નગરપારકર પાંસે મેકણ ડાડાને કેટલાંક મુસ્લિમોએ રોક્યાં કે - 'હેય, હિન્દુ ફકીર! ઊભો રહે. તું જોતો નથી કે અમેં આંય નમાજ પઢીએ છૈંયેં ને તું આમ અલ્લાહની બેઅદબી કરીને તારી મોજમાં હાલ્યો જાંય છેં?' અને ત્યારે ભા, મેકણ ડાડાએ જવાબ દીધેલો કે - 'જીનામ, તમે બધાં તો ખોટી નમાજ પઢો છો. નમાજ પઢવાની આ સાચી રત્ય(રીત) નથી. સાચો બંદો તો નમાજ પઢેને ત્યારે આ વહેતી નદીનું પાણીય થંભી જાય, ગાય ચરતી બંધ થઈ જાય ને બાંગને કાન દેવા થિર થઈ જાય, ધાવણાં છોકરા એની માને ધાવવાનું છોડીને એક ટીલી સૂરતામાં ગરક થૈં જાયને ત્યારે નમાજ પઢી કહેવાય. આ જુઓ, હવે હું તમારી નમાજ પઢું છંવ. એમ કહીને ભાઈ, મેકણ ડાડાએ તો પોતાના ખભે જે ઊનની ધડશી હતી, પોતાની જે કામળી હતી એને ખભેથી ઊતારીને સિંધૂ નદીના જળ પર પાથરી. અને થોડીવારે તો પોતાની ભેંટમાંથી કટાર કાઢીને પોતાના જ પેટમાં આમ-તેમ અવળ-સવળ કરીં ને પોતાના બધાંય આંતરડા બહાર કાઢ્યાં. ઈ દોરી જેવાં આંતરડાનો બધોય લબાચો લીધો ખોબામાં ને એ કામળી પર ઢગલો કરી દીધો ને 'જી-નામ...જીનામ'ના જાપ જપવા લાગ્યા અને ભાઈ પછી તો અલ્લાહના ઈ બંદાય બધાં માની ગ્યાં હો કે સાચી બંદગી તો એક આ મેકણ ડાડો જ કરે છે. જા ભાઈ જા, ડાડા મેકણ! તારે તો અમારો અલ્લાહ ને તારો ઇશ્વર બેય હાજરાહજૂર છાં. તું જ માણસાઈ માથે સાચો ફના થનારો સેવક, બાકી અમે તો ખાલી બાંગ પોકારી જાણીએ.' તે દરબારું, આ એવા આ મેકણ ડાડા લ્યો. તમીં હવે જાણજો હો એની નોખી-નોખી આવી તો કૈંક વાત્યું છે. તમેં આંયથી હવે ધ્રંગ જાહોને? આ ઈ ધ્રંગમાં મેકણ ડાડાની હારે બીજા બારેક એમના સેવકોની સમાધીય છાં ને લાલિયો ને મોતિયો ઈ ગધેડા ને કૂતરાનીય સમાધી છાં. તમેં ઈના દરશણ કરજો ભા. પણ તમને એક વાત કંવ લો. આ મેકણ ડાડાની સેનામાં એક લીરબાઈ કરેંને લોડાઈના આયરના દીકરી'ય હતાં. ઈમણેય આવો ભૂલા-ભટકેલાને ખવરાવવા-પીવરાવવાનો ભેખ લીધેલો. લીરબાઈ તો ખભે કાવડ લઈને આ આટલા પંથકના ગામેગામ અનાજ ને લોટ ભીખવા નીકળી પડતાં. પણ બચારાં બાઈ એક વાતે મનમાં ભારે મૂંઝાય. પોતાના જ ગામમાં કાવડ ફેરવવી, પોતાના જ ગામ પાસે આમ માંગવું એમને ગોઠતું નૈં એટલે એક લોડાઈ ગામમાં લીરબાઈ કાવડ લઈને ન જાંય ને બીજા ફરતા ગામોમાં જાય. પંદરેક દિવસ થયાં એટલે લોડાઈના ગામવાળા લોક બધાંય મેકણ ડાડા પાંસે રાવ(ફરિયાદ) લઈને ગયાં કે આ અમારા ગામમાં કાવડ લઈને કેમ કોઈ દાણા ને લોટ ઉઘરાવવા આવતું નથી?! અમારે તો આપવું છે પણ કોને આપીએ? ગામવાળાનો આવો ઠપકો સાંભળીને મેકણ ડાડો તો ભારે મૂંઝાયા કે અરે આ લીરબાઈ તો પોતાની આખીય કાવડ ભરીને રોજ સમયસર આવી જાય છે તો લીરબાઈની કાવડ આખર ભરે છે કોણ?! પછીં તો ગામવાળાએ છાનામાના લીરબાઈનો પીછો કર્યો તો માલુમ પડ્યું કે લોડાઈમાં લીરબાઈ આવતા નથી, એમને પોતાના જ ગામ પાસે હાથ લાંબો કરવો ગમતો નથી એટલે પોતાની ખાલી કાવડ લઈને જંગલમાં જતા રેં છે. ને લીરબાઈની કાવડમાં જંગલના ઝાડવાં બધાં દાણાં ને લોટ ખેરવે છે ને એમ એમની લાજ આ જંગલના ઝાડવાં રાખી લ્યે છે. તે ભાઈ, જેને દેવાની દાનત હોયને એને ઝાડવાં'ય દૈ રહે હો દરબારું. આ અમે કોઈ પાંહે માંગતા નથી તો'ય છેલ્લા ત્રણસો વરસથી આંય અન્નના કોઠાર ખૂટ્યાં નથી. માંગે એને તો મળી જ રહેવાનું છેં; પણ કોઈના વણમાગ્યે આપી દ્યો એજ સાચી કમાણી છાં બાપ.' ધનજીભાઈ કચ્છના આ સંત મેકરણ ડાડાની અનેકાનેક લોકવાત્યુનો પટારો હતાં એનો અણસારો મને આવી રહ્યો હતો પણ મોડું થતું એટલે રોકાઈ જાવું સંભવ નહોતું. રોકાઈ જવાનો એમણે બહુ આગ્રહ કર્યો પણ રાત પહેલા 'ભૂજ પહોંચવું છે'નું ભૂત અમારા મનમાં ઘર કરી ગયું હતું. પણ મનમાં તો મેં તરત જ પ્લાન ઘડી લીધો કે હવે જ્યારે મારી બાઇક લઈને કચ્છ ખૂંદવા આવીશ ત્યારે રાતવાસો તો અહીં શ્રવણ-કાવડિયાની જગ્યામાં જ કરવો છે. મોતીસર તળાવને આંખોમાં ભરી લેવાનું ખૂબ મન હતું પણ સમયના અભાવે એ શક્ય ન બન્યું ને અમે એ વાતડાહ્યા ધનજીભાઈને 'હાલો ત્યારે, જીનામ' કહેતાં'કને આગળ વધ્યાં.


        સરહદના આ સાવ છેવાડાના ગામડાઓના રસ્તે અમે અમારી સાઈકલ હંકારી રહ્યાં હતાં. હવે આંખની સાથે સાથે અમારાં કાન પણ સાબૂત થઈને આસપાસ પડઘાતી શાંતિને પામતા હતાં. દુનિયામાં બહાર કેટલો કોલાહલ છે અને અહીં આ રસ્તાઓની શાંતિ જાણે કોઈ અવકાશી બ્લેકહૉલમાં મારો પ્રવેશ કરાવતી હોય એવી અનુભૂતિ થઈ રહી હતી. રસ્તામાં એક કુંવારી મૃત નદી ઉપર બાંધેલા પુલની રેલિંગ પર ચડીને અમે બેય ભાઈઓએ દૂર સુધી નજર નાખી. આ સાચ્ચે જ એક પ્રકારનું મેડિટેશન હતું. થોડી વારે એ સમાધિમાંથી બહાર આવ્યા તો દકુભાઈ મને કહે : 'ભાઈ, જિંદગીમાં આ શાંતિ સિવાય પામવાનું કશું જ નથી. દુનિયાના લોક બધાં મૂરખ છે સાલા. પોતપોતાની સાઈકલ લઈને સહુ નીકળી પડોને યાર.' એ જે બોલ્યા તેનો ગૂઢ અર્થ મને પમાતો હતો. મેં કહ્યું : 'સહુને પોતપોતાની સાઈકલ જડી જાય તો-તો જોઈએ શું?!! અરે મન તો થાય છે કે અહીંથી હવે છેક હિંગળાજ જતા રહીએ. જે મારગેથી પ્રવેશીને આપણી ઉપલી પેઢી છે..ક સોરઠ સુધી લાંબી થઈ છે તે મારગે હવે બસ પાછા વળી જઈએ.' થોડી વાર રહીને એણે જ પુલની રેલિંગ પરથી ઠેકડો માર્યો ને અમારાં સમાધિ-જળમાં કાંકરીચાળો કર્યો : 'એ હવે છાનામાના પેડલ મારો. ખબર છેને આવતાં સોમવારે નોકરીએ પાછાં હાજર થવાનું છે. હાલો હવે આપણી પાસે હવે સ્વર્ગ સુધી જવાનો કાલનો એક જ દિવસ બાકી બચ્યો છે. પરમ દિવસે તો આપણાં વળતાં પાણી હશે એટલે રખડાય એટલું પામી લ્યો.' પછી તો લોડાઈ આવ્યું ત્યાં સુધી બેમાંથી કોઈએ એક હરફ પણ ઉચ્ચાર્યો નહીં. એવું કશુંક હતું જે અમને આ દિવસોમાં સભર કરી ગયું હતું. પણ એ શું હતું એ કહેવું સાચ્ચે જ અઘરું છે. લોડાઈમાં સંત મેકરણ ડાડાએ બાર-બાર વરસ સુધી સેવાનો અખંડ ધૂણો ધખાવ્યો છે તે એ ધૂણાની પ્રજ્વલિત હૂંફ લઈને અમે આગળ વધ્યા. આ ધ્રંગ-લોડાઈમાં જ ૨૦૦૧ના ભયંકર ભૂકંપનું એપિસેન્ટર હતું એટલે એ ધ્રૂજારીની મૂળ નાભિ પર અમે અત્યારે સાઈકલ ચલાવી રહ્યાં હતાં એનો એક રોમાંચ હતો. એ ભૂકંપ વખતે આ ગામડાંઓની કેવી દશા થઈ હશે એ વિચારે જ ધ્રૂજારી મને આવી ગઈ. લોડાઈથી આગળ સંત મેકરણની પ્રગટ-પાણી કરીને એક સુંદર જગ્યા છે. દાદા મેકરણે અહીં ત્રિશૂળના ફણા મારીને ત્રણ નોખા-નોખા કૂંડ બનાવેલા છે. કહે છે કે કચ્છના અનેક કાળા દુકાળમાંય આ કૂંડનું પાણો ખૂટ્યું નથી. ત્રણેય કૂંડના પાણીના સ્વાદ અલગ છે ને એનીય વળી એક રોમાંચક કથા છે. ઉનાળે આસપાસમાં જ્યારે ક્યાંય પાણી નથી હોતું ત્યારે પાંચ-પાંચ હજાર માલઢોર આ કૂંડના પાણી પીએ છે એ સત્ય હકીકત અંચબો પમાડે એવી છે. પ્રગટ-પાણીની એ ઊંડી ગુફામાં નમતી સાંજે ધગતા ધૂણાના ધૂમાડે બેસીને ત્યાંના મહંત પાસેથી અનેકાનેક વાતો સાંભળી. 'જીનામ' કેવડો મોટો મંત્ર છે એનો અહેસાસ હ્રદયમાં ભરીને અમે ગુફામાંથી બહાર નીકળ્યા ત્યારે સાંજના લગભગ સાડા-છ થઈ ગયા હતાં.


        પ્રગટ-પાણીથી મુખ્ય રસ્તા ઉપર આવ્યા ને મારા નાનાભાઈની સાઈકલના ગિયર-ચક્કર ભરડાઈ ગયા. કહે કે 'હવે આપણે રાત્રે ભૂજ પોગી રહ્યા'. અહીંથી ભૂજ લગભગ ત્રીસેક કિલોમીટર દૂર છે.જો કે એની સાઈકલ સાવ ઊભી નહોતી રહી ગઈ પણ એમાં સ્પીડ લાવવી હવે અઘરી હતી. અમારાં માટે મોટી મુશ્કેલી એ હતી કે ભૂજમાં ગિયરવાળી સાઈકલનો રિપેરર રાત્રે જડવો મુશ્કેલ હતો ને વળતા દિવસે સવારે દસ વાગ્યા પહેલા તો અમને કોણ સાઈકલ સમી કરી દેશે એ મૂંઝવણ ભયંકર હતી. એની ગિયર-વાળી સાઈકલ કરતાં હવે હું આગળ હતો. વળતે દિવસે ભૂજથી જેટલા મોડાં નીકળીશું એટલા અમે માતાના મઢ મોડા પહોંચવાના એ નક્કી હતું. ભૂજથી માતાના મઢ પૂરાં સો કિલોમીટર છે, પણ અમારે વળી માતાના મઢ જતાં પહેલા કચ્છના ત્રીજા નંબરની જાગીર રોહાના કિલ્લાની મુલાકાત લેવી હતી એટલે અમારે વધારાના બીજા સાંઈઠેક કિલોમીટરનો રસ્તો કાપવાનો હતો. રોહા જાગીર ગયા વિના માતાના મઢ જવું જ નથી એવો મક્કમ નિર્ણય તો અમે ભચાઉથી જ કરી રાખેલો. પ્રગટ-પાણીમાં મેકણડાડાના ધૂણાએ પ્રવેશતો હતો ત્યારે જ મને એક ફૉન-કૉલ આવી ગયેલો કે - 'જલ્દી આવજે, ભૂજમાં હું તારી રાહ જોઉં છું ને તને મળ્યા વગર હું અહીંથી જવાની નથી.' એ ફૉન-કૉલ મારી બાળપણની એક બહેનપણીનો હતો. મારા વૉટ્સેપ પરના પ્રવાસના મારા સ્ટેટસ જોઈને એને સવારથી મને મળવાની ઇચ્છા હતી. આમ તો એ મૂળ ફ્રાન્સના કૉર્સિકા નામના એક આઈલેન્ડ પર હૉટેલ બિઝનેસ સાથે સંકળાયેલી છે ને પોતાની હોટેલની ઇન્ટિરિયર ડિઝાઈનના મેનેજમેન્ટ માટે ખાસ એ દિવસોમાં જ કચ્છ આવેલી હતી. સંજોગે અમને આમ આટલા વરસે દુનિયાના સાવ આ છેડે ભટકાડી દીધાં. ભૂજમાં સાંજના સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી જ્યુબિલી ગાર્ડનના એક બાંકડે બેસીને એણે દાબેલી પર દાબેલી ખાધે રાખી. રાત્રે નવ વાગ્યે હાંફતો-હાંફતો હું એને જ્યારે મળ્યો ત્યારે એ કહે કે 'તને મળવામાં ને મળવામાં અત્યાર સુધી હું સાત દાબેલી ખાઈ ચૂકી છું એ તને ખબર છે? હજી જો મોડો આવ્યૉ હોત તો હું પોતે જ દાબેલી થઈ ગઈ હોત'. મારી રાહમાં સાત-સાત દાબેલી ખાઈ જનારી એ બાળગોઠિયણને મળવા માટે મેં પણ એમ તો મારી સાઈકલની ગતિ વધારી ચૂકી હતી ને એમાં ને એમાં હું ગોઠણે ભયંકર છોલાયો પણ હતો એ હું તમને ન કહું તો વળી કોને કહું?? સાંભળો : ભૂજ આવવાને હજી દસેક કિલોમીટરની વાર હતી ને મને જમીન ફાડી નાખે એવો એક અવાજ સંભળાયો. અંધારે કશું કળાય નહીં પણ દૂર ક્ષિતિજથી એક અગનગોળો આકાશમાં ઉપર ચડતો ભાળ્યો. થોડી વાર થઈ તો ખબર પડી કે આ તો આપણાં ઇન્ડિયન એરફૉર્સના ફાઈટર પ્લેન છે. થોડી વાર થઈ ત્યાં બીજું, પછી ત્રીજું એમ એક પછી એક ફાઈટર જેટ વિમાનોની સેર છૂટી. એ જોઈને મારામાં રહેલું બાળક ઝૂમી ઊઠ્યું. મનમાં થયું કે બહેનપણીને મને મળવું હશે તો એ તો કૉર્સિકામાંય મારી રાહ જોશે. આપણને આ આટલા નજીકથી ફાઈટર પ્લેન વળી ક્યારે જોવા મળવાના!? તે ભૂજ એરફૉર્સ સ્ટેશન પાસેથી પસાર થતાં રસ્તા પર મેં મારી સાઈકલની ગતિ ધીમી કરી દીધી. મનમાં હતું કે મારા માથા પરથી જેવું ફાઈટર પ્લેન પસાર થાય કે એ ગગન ગજાવતાં સૈનિકને મારા મોબાઈલના કેમેરામાં કેચ કરી લેવો છે. એરફૉર્સ સ્ટેશન પાસેના એ હાઈવે પર હું નવું પ્લેન ટેઈક-ઑફ થાય એની રાહ જોતો સાઈકલ ચલાવતો હતો. થોડી વાર થઈને ફરી પાછી દિશાઓ ગજવી નાખતો એક અવાજ ધીમે ધીમે નજીક આવવા લાગ્યો. હું મારા મોબાઈલનો કેમેરા અદ્ધર આકાશ તરફ રાખીને વિડિયો શુટિંગની તૈયારીમાં સાઈકલ ચલાવતો હતો ને એ ફાઈટર પ્લેન જાણે મારા કાનના પડદા ચીરતું પસાર થયું. આહા! રોમાંચની તો શું વાત કરું? પણ મારો એ રોમાંચ બે સેકન્ડ માંડ ટક્યો હશે. કોણ જાણે રસ્તા ઉપર મારું ધ્યાન નહોતું ને મારી સાઈકલ રોડના ડાબા કાંઠે આઠ ફૂટ નીચે બાવળની કાંટ્યમાં ઊંધેકાન ઊતરી ગઈ. હું ભૂંડાઈનો પડ્યો. ફાઈટર પ્લેન અવાજ કરતું જતું રહ્યું પણ મારા બંને ગોઠણ છોલાઈ ગયા હતાં. જેમતેમ કરીને અંધારે ઉઝરડાતો એ બાવળની ઝાડીમાંથી બહાર આવ્યો ત્યાં બહેનપણીના મીઠા શબ્દો મોબાઈલમાં રણક્યા : 'તારું કરન્ટ લૉકેશન મોકલ. હું મારી કાર લઈને તને સામે મળવા આવું છું. કોણ જાણે તું તો ક્યારેય કપાઈ ગયેલા પતંગની જેમ ભરાતો-ભરાતો આવીશ.' મેં મારું દરદ ભૂલીને એને મારું કરન્ટ લૉકેશન વૉટ્સેપથી મોકલ્યું. ભૂજના પાદરમાં અમે જ્યારે એકબીજાને મળ્યા ત્યારે બંને હસતા હતાં. એ કહે કે, 'તારી અત્યાર સુધી રાહ જોવામાં ને જોવામાં મેં ગાંડાની જેમ સાત-સાત દાબેલી ખાધી' ને મે કહ્યું કે, 'તને મળવામાં ને મળવામાં મેં મારાં ગોઠણ છોલી નાખ્યા.' એ અમારા માટે ભૂજના પ્રખ્યાત ગુલાબ-પાકની મીઠાઈનું એક મોટું પેકેટ લાવી હતી, જે બીજા દિવસનું અમારું એક માત્ર ભોજન હતું. કેમકે રોહા જાગીરથી નખત્રાણા થઈને રાત્રે આઠ વાગ્યે અમે જ્યારે માતાના મઢ પહોંચ્યા ત્યારે અમારી પાસે આ ગુલાબ-પાક સિવાય ખાવાનું કંઈએ નહોતું. લગભગ દસેક વાગ્યે ભૂજમાં મારા બનેવીસાહેબના અમે મહેમાન થયા ત્યાર સુધીમાં મારા ગોઠણના બધાં દરદ ભૂલાઈ ચૂક્યા હતાં. રાત્રે અગિયાર વાગ્યે અમે બનેવીસાહેબની મદદથી સાઈકલના ગિયર રિપેર કરાવ્યાં. વળતે દિવસે સવારે ચા-નાસ્તો કરીને ચડ્યા માતાના મઢવાળા રોડ પર. દસેક વાગ્યે દેશલપર પહોંચીને અમે બેય ભાઈઓએ ત્રણ-ત્રણ દાબેલી ઝાપટી ને ત્યાંથી ડાબા હાથે ફંટાઈને ચડ્યાં નલિયાના મારગે. રોહા જાગીરનો ખંઢેર થઈ ગયેલો કિલ્લો જોયો, એને જાણ્યો ને એને સાંભળ્યો. સાંભળ્યો એટલા માટે કે અહીં રોહા સુમરીની એક-બે પ્રેતકથાઓ મારા કાન પડી જે વળી કોઈક દહાડે વાતના મંડાણ કરીશ તો કહીશ. સાંજે પાંચ વાગ્યે નખત્રાણા થઈને રાતના નવેક વાગ્યા આસપાસ અમારી સાઈકલ માતાના મઢ પહોંચી ગઈ. ભાવનગરથી બધું થઈને પાંચસોને નવ્વાણું કિલોમીટર પાંચ દિવસમાં પસાર થયા. પણ મારી અંદરથી જે 'માઈલોના માઈલો' પસાર થઈ ગયા છે એની ગતિ-સ્થિતિ હું કહી શકું એમ નથી. એક હું જ જાણું છું જે મને જડ્યું છે. 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' એ અમિતાભ બચ્ચનની પેલી જાહેરાતની ટેગલાઈન સાચ્ચે જ અધૂરી છે. કચ્છ એ કોઈ દેખવા-જોવાની નહીં પણ 'પામવાની ભોંય છે.

કોઈ મને પૂછે કે કેવો છે આ કચ્છ? તો હું તો એને કચ્છની જરાર નદીએ દીધેલો જવાબ જ દઈશ :
'લાખા જેહડા લખ ગિયા,ઉન્નડ જેહડા અઠ્ઠ;
હેમહડાઉ હલ ગિયો, વંજી ન કેણી વટ્ટ.'
- એટલે કે, હે માનવી! કચ્છમાં લાખા ફૂલાણી જેવા તો મેં લાખ અને રાજા ઉન્નડ જાડેજા જેવા તો મેં આઠ રાજા જોઈ નાખ્યા છે. ને હેમહડાઉ જેવો મોતીની પાંચસો પોઠ્યું મારા પટમાં વેરી નાખનારો વણજારો પણ જોઈ લીધો છે. એ વણજારો ને એવા રાજા કયે રસ્તે ગયાં તેનોય કોઈએ ભાવ પૂછ્યો નથી માટે તું ગુમાન કરીશ નહીં. ચાલો ત્યારે, સાઈકલ તો ચલતી ભલી.

[મારી વાડીના ભાગિયાનો દીકરો અજય બાઈક લઈને માતાના મઢ આવેલો હતો એટલે અમારી બંને સાઈકલો બીજા દિવસે બસમાં ચડાવી ને અમે અજયને રવાના કર્યો. અમે હવે અજયે લાવેલું બાઈક અમારે હાથ લીધું. વળતે દિવસે માતાના મઢથી મારા મોટા મોસાળ નલિયા ગયા. આ નલિયાના પ્રવાસની સુવાણ્ય પણ એક અલગ લેખ ખમે એવી છે. જામ અબડા, જખૌ બંદર ને બોતેંર યક્ષના પરચા ને એમની લોકસેવાની વાતો... ને કચ્છની કઈ જાણીતી કોમ આ યક્ષ-બોંતેરાની વંશજ છે એના બોલતા પુરાવા..કચ્છના રા'પુંવરા ને એના લેખાઝોખાં... કંઈક વાતો ને વાતરસિયાઓ જડ્યા છે. નલિયામાં મામાના દીકરાભાઈ કૃષ્ણરાજસિંહ ને એની ચિત્રકળા, એના દોસ્ત સાજિદનો પુરાતત્વ તરફનો લગાવ, કૃષ્ણરાજના સંગીતના શોખ ને કંઈ-કેટલીય વાતોના પડળ ઊઘડવા હજી બાકી છે. અવસર આવે એ બધું ખોલીશ.]

Comments

  1. જીનામ....જીનામ....બસ...એક જીનામ🙏

    ReplyDelete
    Replies
    1. વંદન.... તમે જયારે આ સાઈકલ પ્રવાસના સ્ટેટસ રાખેલા ત્યારે જ ખૂબ રસ પડેલો આ પ્ર...ને લઈને. આજે આ રીતે વાચતા વાચતી હોવ એવું નહીં લાગતાં તમારાં જ મોંઢેથી ચાંભલતા.. કચ્છ જઈ આવ્યાં જેવું લાગ્યું. ખૂબ જ રસ પૂર્વક આનંદ સાથે આ પ્રવસલેખ માંથી પસાર થ... ખબર નહિં ....આવા પ્રવાસ ખેડવાનો અવસર ક્યારે સાંપડશે કે કેમ..... હજી તમારા આવા પ્ર....મળવાની અપેક્ષાસહ ફરી વંદન....

      Delete
  2. Bapu next time amne pan leta jajo

    ReplyDelete
  3. નમસ્તે,
    આપના પ્રવાસ લેખ વાંચવાની ખૂબ મજા પડી. વાંચતી વખતે એવું જ લાગતું હતું કે અમે પણ અપ્રત્યક્ષ રીતે આપની સાથે કચ્છ ફરી રહ્યાં છીએ. અમે જે પ્રવાસ-સાહિત્યની વ્યાખ્યા ભણ્યે છીએ તે વ્યાખ્યા તમે અનુભવી ને આ લેખમાં ઉતારી છે. રસ્તામાં મળતાં લોકોની આપ કથાઓ ને તેમ ની વાત માંથી સહજ રીતે જ મળતું જીવનનાં ગાઢ દર્શન..
    ખરેખર, આપનો પ્રવાસ લેખ અભ્યાસની દ્રષ્ટિએ પણ ખપમાં લાગે તેવો છે...
    આપે નહી ખોલેલી કથા તથા આગળનાં પ્રવાસ લેખની રાહ રહેશે..👏😊

    ReplyDelete
  4. વાહ મજા પડી ,
    અમે ખેડેલા પગપાળા પ્રવાસો આ લેખ વાંચીને યાદ આવી ગયા.......

    ReplyDelete

Post a Comment

Popular Posts